ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે હવે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ” ગાવું ફરજિયાત રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમની ભાવના મજબૂત બનાવવાનો છે.
લખનૌમાં યોજાયેલા “એકતા યાત્રા” અને “વંદે માતરમ” સમૂહ ગાયન કાર્યક્રમ દરમિયાન CM યોગી આદિત્યનાથે જણાવ્યું કે દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને વિચારોને દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું “અમે ઉત્તર પ્રદેશની તમામ શાળાઓમાં ‘વંદે માતરમ’ ફરજિયાત બનાવીશું જેથી દરેક નાગરિકના હૃદયમાં ભારત માતા પ્રત્યે આદર અને ગૌરવની ભાવના જાગે.”
યોગીએ આગળ જણાવ્યું કે રાષ્ટ્રીય એકતા અને સ્વાભિમાનના મૂલ્યોને મજબૂત બનાવવા માટે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. તા. 30 ઓક્ટોબરના રોજ રાજ્યના દરેક જિલ્લામાં “રન ફોર યુનિટી” નામે રાષ્ટ્રીય એકતા દોડ યોજાઈ હતી. આ દોડનો હેતુ સરદાર પટેલના યોગદાનને યાદ કરાવવાનો અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ પ્રેરવાનો હતો.
ઉત્તરાખંડના સ્થાપના દિવસની શુભેચ્છા પણ પાઠવી
આ કાર્યક્રમ દરમિયાન CM યોગી આદિત્યનાથે ઉત્તરાખંડના લોકોનો રાજ્યના 25મા સ્થાપના દિવસ નિમિત્તે અભિનંદન પાઠવ્યા. ‘X’ પરના પોતાના સંદેશમાં તેમણે કહ્યું “દેવભૂમિ ઉત્તરાખંડની પ્રગતિ માટે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પુષ્કર ધામીના નેતૃત્વ હેઠળ રાજ્ય સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે.”
CM યોગીનો આ નિર્ણય માત્ર શૈક્ષણિક સ્તરે જ નહીં પરંતુ સાંસ્કૃતિક દિશામાં પણ એક મોટું પગલું છે. “વંદે માતરમ” ફરજિયાત ગાવાના નિર્ણયથી રાજ્યમાં દેશપ્રેમ અને એકતાની ભાવના વધુ મજબૂત બનશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.