( પ્રતિનિધી )વડોદરા,તા.8
આઇસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન ટીમ ઇન્ડિયાની ઓલ રાઉન્ડ અને બરોડીયન રાધા યાદવ વડોદરામાં હવાઈ માર્ગે આવી પહોંચી હતી. એરપોર્ટ પર ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જે બાદ એરપોર્ટથી છ કિલોમીટરનો તેનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં સાંસદ,મેયર, કાઉન્સિલરો સહિત રાજકારણીઓ જોડાયા હતા.


મુંબઈમાં મિલેનિયમ વર્ષના એપ્રિલ મહિનાની તારીખ 21મી એ જન્મેલી રાધા યાદવ રાઈટ હેન્ડ બેટીંગ અને લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર છે. એક સામાન્ય પરિવારથી આવતી રાધાને સફળ ક્રિકેટર બનાવવા માટે તેના પિતા ઓમ પ્રકાશ વડોદરા આવ્યા હતા મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા યાદવ પરિવારે રાધાનું કોચિંગ 12 વર્ષની હતી ત્યારથી જ શરૂ કરાવ્યું હતું રાધા એ વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા સામે ટી 20 માં 17 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. ઓલ રાઉન્ડર તરીકે સતત પર્ફોર્મન્સ આપતી રાધા નો આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયામાં સમાવેશ થયો હતો. ટીમ ઇન્ડિયા ઇતિહાસમાં સર્વપ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનતા ચર્ચાના કેન્દ્રમાં છે. ચેમ્પિયન ટીમની ઓલ રાઉન્ડ ખેલાડી રાધા યાદવ આજે હરણી એરપોર્ટ ખાતે આવી હતી. જે બાદ કૃગારા ક્રિકેટ એકેડમી દ્વારા તેનો ભવ્ય રોડ શો યોજાયો હતો. હરણી એરપોર્ટથી ખુલ્લા વાહનમાં રાધા યાદવના 6 કિલોમીટર રોડ સોની શરૂઆત થઈ હતી. જેમાં રાધાના કોચ કેટલાક ક્રિકેટર્સ અને મોટી સંખ્યામાં ક્રિકેટના ચાહકો જોડાયા હતા. જેને લઈને હરણી અને કારેલીબાગ પોલીસ દ્વારા રોડ શો ના રૂટ ઉપર બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

