પાણી પુરવઠા ઇલે. મિકે. વિભાગમાં પાંચ ઇજનેરો મોટી બદલી કે બઢતી વિના જ નિવૃત થવાની તૈયારી
વડોદરા મહાપાલિકાનો એકમાત્ર એવો વિભાગ જ્યાં ઇજનેરો ઈચ્છે છતાં વર્ષોથી બદલી થઈ નથી
વડોદરા મહાનગરપાલિકાનો પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ-મિકેનિકલ વિભાગ એવી સ્થિતિમાં છે કે અહીં વર્ષોથી ઇજનેરોની બદલી કરવામાં આવી નથી. આ વિભાગમાં અનેક ઇજનેરો એવા છે કે જેઓનઅધિક મદદનીશ ઇજનેર તરીકે જોડાયા હતા અને હવે કોઈપણ બઢતી કે બદલી વિના જ નિવૃત્ત થવાની તૈયારીમાં છે. પાલિકાના અન્ય વિભાગોમાં જ્યાં જરૂર ન હોય ત્યાં પણ બદલી કે પોસ્ટ ઊભી કરીને માનીતા ઇજનેરોને ખાસ નિમણૂક આપવામાં આવે છે, ત્યાં આ વિભાગના ઇજનેરો વર્ષોથી એક જ જગ્યાએ અટકેલા છે. વિભાગમાં એકમાત્ર મહિલા ઇજનેર સરયુબેન તડવી છેલ્લા 25 વર્ષથી પૂર્વ વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા છે. તેમને આજદિન સુધી કોઈ પ્રમોશન આપવામાં આવ્યું નથી. સમાન રીતે પ્રશાંત પરમાર, અમૃત પવાર, સંજય રાણા અને કિશોર ખૈરે જેવા ઇજનેરો પણ વિભાગમાં જોડાયા ત્યારથી આજદિન સુધી અહીં જ કાર્યરત છે. આ તમામ ઇજનેરો હવે નિવૃત્ત થવાના છે, પરંતુ તેમણે આખી કારકિર્દી દરમિયાન એકેય વખત મોટી બદલી કે બઢતી જોઈ નથી. પાલિકાના પાણી વિતરણ, સુએઝ અને મિકેનિકલ વિભાગમાં બદલી સામાન્ય રીતે આ ત્રણ વિભાગ વચ્ચે થાય છે, પરંતુ અહીંના 15 ઇજનેરો પૈકી 5 ઇજનેરો 25 થી 30 વર્ષથી આ જ વિભાગમાં છે. તેમ છતાં, તંત્રએ તેમની બદલી અંગે કોઈ વિચારણા નથી કરી.
આમ, પાણી પુરવઠા ઇલે. મિકેનિકલ વિભાગ વડોદરા પાલિકાનો એવો એકમાત્ર વિભાગ ગણાય છે, જ્યાં ઇજનેરોની ઈચ્છા છતાં બદલી થઈ નથી. તાજેતરમાં અન્ય વિભાગોમાં ખાસ ઇજનેરો માટે નવી પોસ્ટ ઊભી કરીને નિમણૂક કરવામાં આવી છે, જ્યારે અહીં વર્ષોથી સેવા આપતા ઇજનેરોની સ્થિતિ યથાવત છે.
પાણી પુરવઠા (ઈલે. મિકે.) વિભાગમાં મજબૂર અડિંગા ઇજનેરો
સરયુબેન તડવી 25 વર્ષ
સંજય રાણા 25 વર્ષ
દેવાંગ પંચાલ 13 વર્ષ
પ્રશાંત પરમાર 30 વર્ષ
કિશોર ખૈરે 30 વર્ષ
અમૃત પવાર 30 વર્ષ
રતનસિંહ રાઠવા 15 વર્ષ
સાગર મિસ્ત્રી 4 વર્ષ
હિતેષ ચૌધરી 10 વર્ષ
સત્યેન્દ્ર કાટે 15 વર્ષ
રવિ લુહાર 10 વર્ષ
કીર્તિ ચારપોટ 15 વર્ષ
મિલન પટેલ 10 વર્ષ
ધર્મેશ વણઝારા 12 વર્ષ
ઇલેક્ટ્રિકલ ઇજનેર હોવા છતાં 25 વર્ષથી પાણી વિતરણ વિભાગમાં સરયુબેન તડવી
પૂર્વ વિસ્તારમાં કામ કરતા ઇલેક્ટ્રિકલ ઇજનેર સરયુબેન તડવી છેલ્લા 25 વર્ષથી પાણી વિતરણ વિભાગમાં ફરજ બજાવે છે. થોડા વર્ષમાં તેઓ વય નિવૃત પણ થશે. છતાં તેમને બઢતી કે બદલી કરાઈ નહીં. એટલું જ નહીં, તેઓ ઇલેક્ટ્રિકલ ઇજનેર હોવા છતાં તેમણે પાણી વિતરણ રખાયા. અત્રે નોંધનીય છે કે, ઇલેક્ટ્રિક ઇજનેર સ્ટ્રીટ લાઇટ વિભાગમાં પણ કામ કરી શકે છે.
સિવિલ કામો કરતા વિભાગમાં ઇલે. ઇજનેર જતન બધેકાને ખાસ પોસ્ટિંગ આપી દેવાયું
વડોદરા મહાનગરપાલિકાના ફ્યુચરિસ્ટિક સેલમાં તાજેતરમાં એક એવી નિમણૂક કરવામાં આવી હતી જેના કારણે તંત્રની નીતિ અંગે હવે ચર્ચા ઊભી થઈ છે. પાણી પુરવઠા ઈલે. મેકિનિકલના જતન બધેકા ઇલેક્ટ્રિકલ ઇજનેર હોવા છતાં તેમને ડેપ્યુટી ઇજનેર તરીકે ફ્યુચેરિસ્ટિક સેલમાં વધારાની નિયુક્તિ કરવામાં આવી છે. આ વિભાગમાં ડેપ્યુટી ઇજનેરની જરૂરિયાત હોવાની માહિતી નથી, છતાં તેમને અહીં પોસ્ટિંગ આપવામાં આવી છે. એટલું જ નહીં, ડેપ્યુટી ઇજનેર સિવાય આખા વિભાગમાં કોઈ ઇલેક્ટ્રિકલ ઇજનેર ન હોવા છતાં જતન બધેકાને ખાસ વધારાના હવાલા સાથે ખાસ નિમણૂક આપી દેવાઈ. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે માનીતા ઇજનેરોને તંત્રમાં જરૂર ન હોય ત્યાં પણ ખાસ પોસ્ટિંગ આપવામાં આવે છે અને તેમની બદલી પણ સરળતાથી થઈ શકે છે. ખાસ કિસ્સામાં માનીતા ઇજનેરોને એક જ વિભાગમાં જાળવી રાખવા બદલી નથી પણ કરાતી. જ્યારે માનીતા ન હોય એવા ઇજનેરોને આખી નોકરી પૂર્ણ થવા છતાં બદલી કે બઢતી કઈ મળતું નથી તે આ બાબતોથી પૂરવાર થઈ રહ્યું છે. તંત્રના આ બેવડા ધોરણો અંગે મહાનગરપાલિકા વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે અંતે કામ કરતાં કર્મચારીઓની યોગ્યતા જોવામાં આવે છે કે સંબંધો?