Vadodara

વિશ્વામિત્રી શુદ્ધિકરણ અને ક્રોકોડાઇલ પાર્ક પ્રોજેક્ટ કાગળ પર જ સીમિત

કરોડોની ફાળવણી છતાં વર્ષોથી વિકાસનો વાંકિયો માર્ગ, નગરજનોમાં ઉઠી રહી છે પારદર્શિતાના પ્રશ્નો

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી લાંબા સમયથી પ્રદૂષણ અને મગરોના વધતા વસવાટને કારણે ચર્ચામાં રહી છે. દેણાથી લઈને વડસર સુધીના વિસ્તારોમાં મગરોની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ છે, છતાં તેમની સુરક્ષા અને લોકોની સલામતી માટેનો મુખ્ય “ક્રોકોડાઈલ પાર્ક” પ્રોજેક્ટ વર્ષોથી ખાડા ખાઇ ગયો છે.
2008માં વડોદરા મહાનગરપાલિકા અને વનવિભાગે મળીને નવલખી કંપાઉન્ડ નજીક દેશનો પ્રથમ ક્રોકોડાઈલ પાર્ક બનાવવા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. વર્ષ 2016માં 60 એકર જમીન પર અંદાજે રૂ. 2.79 કરોડનો ખર્ચ કરીને લોખંડની ફેન્સિંગ લગાવવામાં આવી હતી. પરંતુ વિવિધ શાસકીય વિભાગો વચ્ચેના સંકલનના અભાવે આ પ્રોજેક્ટ અધવચ્ચે અટકી પડ્યો.
સરકારી ધારાધોરણ મુજબ એક વિભાગમાંથી બીજા વિભાગને જમીન હસ્તાંતર કરવા માટે કોઈ ચુકવણી કરવી પડતી નથી, છતાં ઓડિટ વિભાગે જમીનની કિંમત અંગે વાંધો ઉઠાવતાં મામલો આજે વર્ષો બાદ પણ અનિચ્છિત રીતે લટકતો રહ્યો છે.
વિશ્વામિત્રી નદી ઉપરાંત તેની શાખાઓ, કેનાલો અને તળાવો સહિતના જળાશયોમાં હજારો મગરો વસવાટ કરી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર મગરો ઘુસી આવતાં સ્થાનિક લોકો સતત ભયમાં જીવે છે, છતાં વિશ્વામિત્રી કિનારા પર ફેન્સિંગ કે કોઈ સુરક્ષા વ્યવસ્થા હજુ સુધી ઉભી કરવામાં આવી નથી.
ગયા કેટલાક વર્ષોમાં શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ ત્રણ વખત સર્જાતાં રાજ્ય સરકારે 2024 દરમિયાન વિશ્વામિત્રી શુદ્ધિકરણ તથા ક્રોકોડાઇલ પાર્ક માટે કરોડો રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી હતી. પરંતુ આજે પણ શુદ્ધિકરણના નામે માત્ર ચર્ચાઓ જ ચાલી રહી છે.
નગરજનોના કહેવા મુજબ વડોદરા મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ બતાવે છે, પરંતુ મેદાનમાં તેની અસર ક્યાંય દેખાતી નથી. ચોમાસા પહેલા લગાવવામાં આવેલ વૃક્ષો વરસાદમાં ધોવાઈ ગયા છે અને નદી વિસ્તારની સફાઈ માટેના દાવા ખાલી દેખાડા જેવાં જણાય છે. જેના કારણે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું ખરેખર આ પ્રોજેક્ટના નામે સત્તાધીશો પોતાની તિજોરીઓ ભરી રહ્યા છે?

ક્રોકોડાઈલ પાર્કનો હેતુ માત્ર મગર સંરક્ષણ પૂરતો નહોતો. આ પાર્કમાં મગરો માટેના વિશિષ્ટ એન્કલોઝર, ટુરિસ્ટ પ્લેટફોર્મ, એક્ઝિબિશન હોલ, ઈન્ટરપ્રિટેશન સેન્ટર, રિસર્ચ બ્લોક તેમજ પાર્કિંગ સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ ઉભી કરવાની યોજના હતી. જો આ પ્રોજેક્ટ સાકાર થાય, તો વડોદરા માટે તે એક મહત્ત્વનું પર્યટન કેન્દ્ર બની શકે.

પરંતુ હાલમાં સ્થિતિ એવી છે કે વર્ષોથી યોજનાઓના ઢગલાં હેઠળ વિશ્વામિત્રી શુદ્ધિકરણ અને ક્રોકોડાઈલ પાર્કનો અવાજ દબાયો છે. આ કારણસર નગરજનોમાં એક કહેવત ફરી સાંભળવા મળે છે, “વાર્તા રે વાર્તા, ભાભા ઢોર ચારતા!”

Most Popular

To Top