ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવનાર સમાચાર સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી કથિત ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસ હેઠળ કરવામાં આવી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ આ મોટી કાર્યવાહી કરી છે. ED અનુસાર બંને ક્રિકેટરોએ વિદેશી ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ OneXBet અને તેની સહયોગી કંપનીઓ સાથે એન્ડોર્સમેન્ટ કરાર કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ સાઇટ ભારતમાં ગેરકાયદેસર રીતે સટ્ટાબાજીનું કામ ચલાવતી હતી.
EDએ ધવનની લગભગ રૂ. 4.5 કરોડની મિલકત અને રૈનાના રૂ. 6.64 કરોડના મ્યુચ્યુઅલ ફંડ જપ્ત કર્યા છે. કુલ મળી બંનેની રૂ. 11.14 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. અધિકારીઓએ આજ રોજ તા.6 નવેમ્બરે આ માહિતી જાહેર કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન ઘણા અન્ય ક્રિકેટરો અને સેલિબ્રિટીઓના નામ પણ સામે આવ્યા છે. EDએ યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મીમી ચક્રવર્તી અને બંગાળી અભિનેતા અંકુશ હઝરા સહિતના લોકોને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.
નોંધનીય છે કે સુરેશ રૈના અને શિખર ધવન સપ્ટેમ્બર 2025માં ED સમક્ષ હાજર થયા હતા. તે સમયે બંનેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. EDએ જણાવ્યું કે આ બંને ખેલાડીઓએ OneXBet જેવી સાઇટના પ્રચાર માટે વિદેશી કંપનીઓ સાથે કરાર કર્યા હતા.
કેન્દ્ર સરકારે થોડા મહિના પહેલા ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી સાઇટ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો હતો. છતાંય બજાર વિશ્લેષણ મુજબ ભારતમાં હજુ પણ આશરે 22 કરોડ લોકો આવા ગેરકાયદેસર ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાંથી અડધાથી વઘુ લોકો નિયમિત યુઝર્સ છે.
EDની આ કાર્યવાહી પછી ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે અને ઘણા ખેલાડીઓ હવે તપાસના ઘેરામાં આવી શકે છે.