Entertainment

પાન મસાલાની ખોટી જાહેરાત મામલે સલમાન ખાન મુશ્કેલીમાં, રાજસ્થાનમાં ફરિયાદ દાખલ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સામે રાજસ્થાનમાં પાન મસાલાની ખોટી જાહેરાત કરવા બદલ ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે સલમાન ખાન જે બ્રાન્ડનું પ્રમોશન કરે છે. તે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે અને ખોટા દાવા કરીને લોકો અને ખાસ કરીને યુવાનોને ભ્રમિત કરે છે.

સલમાન ખાન ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. રાજસ્થાનના કોટા શહેરની ગ્રાહક અદાલતમાં BJPના નેતા અને હાઈકોર્ટના એડવોકેટ ઈન્દર મોહન સિંહ હનીએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ રાજશ્રી પાન મસાલાની જાહેરાતને લઈને કરવામાં આવી છે. જેમાં સલમાન ખાન બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દેખાય છે.

ફરિયાદમાં કહેવાયું છે કે રાજશ્રી પાન મસાલા કંપનીએ “ઇલાયચી અને કેસર યુક્ત પાન મસાલા” તરીકે ખોટો દાવો કર્યો છે. અરજદારના જણાવ્યા અનુસાર કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે રૂ 4 લાખ છે. તેથી 5 રૂપિયાની પાન મસાલાની પેકેટમાં એટલું મોંઘું ઘટક હોવું શક્ય નથી. આ રીતે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

અરજદાર ઈન્દર મોહન સિંહ હનીએ જણાવ્યું હતું કે આવા ખોટા દાવા યુવાનોને પાન મસાલા ખાવા માટે પ્રોત્સાહિત કરે છે. જે મૌખિક કેન્સરનું મુખ્ય કારણ છે. “સલમાન ખાન ઘણા યુવાનો માટે રોલ મોડેલ છે. જો તેઓ આવા ઉત્પાદનોનું પ્રમોશન કરશે, તો તે ખોટો સંદેશ ફેલાવે છે”

ફરિયાદ બાદ કોટા ગ્રાહક અદાલતે સલમાન ખાન અને પ્રોડક્શન કંપની બંનેને નોટિસ જારી કરી છે. અદાલતે બંને પાસેથી ઔપચારિક જવાબ માગ્યો છે અને આગામી સુનાવણીની તારીખ તા. 27 નવેમ્બર રાખવામાં આવી છે.

અહેવાલ મુજબ બંને પક્ષના જવાબોની રાહ જોવાઈ રહી છે. આ કેસ બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા ચાલી રહી છે કે સેલિબ્રિટીઓએ આવા હાનિકારક ઉત્પાદનોના પ્રચારથી દૂર રહેવું જોઈએ. ઘણા લોકોએ અભિપ્રાય આપ્યો છે કે લોકપ્રિય અભિનેતાઓએ તેમના પ્રભાવનો ઉપયોગ સકારાત્મક સંદેશા માટે કરવો જોઈએ, ખાસ કરીને જ્યારે વાત આરોગ્ય સાથે જોડાયેલી હોય.

સલમાન ખાન વિરુદ્ધ દાખલ થયેલી આ ફરિયાદ પર આખા દેશમાં ચર્ચા શરૂ થઈ છે. હવે જોવાનું રહેશે કે કોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે અને સલમાન ખાન તરફથી શું પ્રતિભાવ મળે છે.

Most Popular

To Top