અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ઐતિહાસિક રાજકીય ફેરફાર થયો છે. ભારતીય મૂળના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ નેતા ઝોહરાન મમદાનીએ મેયરપદની ચૂંટણીમાં વિજય મેળવીને ન્યૂયોર્કના પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર બન્યા છે.
ઝોહરાન મમદાનીની જીત અમેરિકન રાજકારણ માટે મહત્વપૂર્ણ બની છે. તેમણે પૂર્વ ગવર્નર અને અપક્ષ ઉમેદવાર એન્ડ્ર્યુ કુઓમો તેમજ રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવાને હરાવ્યા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વિરોધ છતાં, મમદાનીએ આ ચૂંટણીમાં 50%થી વધુ મત મેળવીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો. જ્યારે કુઓમોને 41% મત, જ્યારે સ્લિવાને 7.3% મત મળ્યા.
ઝોહરાન મમદાની જાણીતા ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર છે. તેમનો વિજય માત્ર ભારતીય સમુદાય માટે નહીં પરંતુ અમેરિકાના વૈવિધ્યપૂર્ણ રાજકારણ માટે પણ ગૌરવની ક્ષણ બની છે.
ચૂંટણીનો ઐતિહાસિક માહોલ
ન્યૂયોર્ક ચૂંટણી બોર્ડના જણાવ્યા મુજબ આ વખતે 20 લાખથી વધુ મતદારોએ મતદાનમાં ભાગ લીધો. જે 1969 પછીનું સૌથી વધુ મતદાન છે. આ ચૂંટણીને ટ્રમ્પના બીજા કાર્યકાળ પછીની પ્રથમ મોટી રાજકીય કસોટી તરીકે જોવામાં આવી રહી હતી.
ઝોહરાન મમદાનીની દ્રષ્ટિ અને સમર્થન
માત્ર 34 વર્ષીય મમદાનીએ ચૂંટણી ઝુંબેશ દરમિયાન આર્થિક અસમાનતા દૂર કરવા અને સામાન્ય લોકો માટે તકો વધારવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો. તેમની પ્રેરણાદાયક દ્રષ્ટિ અને નીડર એજન્ડાએ યુવાનોને આકર્ષ્યા હતા.
મમદાનીને પ્રખ્યાત પ્રગતિશીલ નેતાઓ બર્ની સેન્ડર્સ અને એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝનું સમર્થન મળ્યું હતું.
તેમની આ અચાનક ઉભરતી લોકપ્રિયતાએ ન્યૂયોર્કના ધનિક વર્ગ અને પરંપરાગત રાજકીય માળખાને ચોંકાવી દીધા છે.
ટ્રમ્પની પ્રતિક્રિયા
ડોનાલ્ડ ટ્રમ્પે મમદાનીને વારંવાર “કોમ્યુનિસ્ટ” અને “કટ્ટર સમાજવાદી” કહીને નિશાન બનાવ્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે જો મમદાની મેયર બનશે તો ન્યૂયોર્કને મળતું ફેડરલ ફંડ ઘટાડશે. કારણ કે તેમના મતે મમદાની શહેરને “વિનાશ તરફ લઈ જશે.”
ઝોહરાન મમદાનીની જીતને અમેરિકાના રાજકારણમાં નવી પેઢીના નેતૃત્વનો ઉદય માનવામાં આવી રહ્યો છે. તેમની આ જીત ભારતીય સમુદાય માટે ગૌરવ અને યુવા રાજકારણ માટે પ્રેરણારૂપ બની છે.