મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત બાદ કામગીરીનો પ્રારંભ કરાયો
અનેક વિવાદ બાદ મંજૂર થયેલા ભૂખી કાંસ પ્રોજેક્ટની અંતે શરૂઆત થઈ
વડોદરામાં વિસ્મામિત્રી પ્રોજેક્ટ હેઠળ ભૂખી કાંસને રી-રૂટ અને ડાયવર્ટ કરવાની લાંબા સમયથી અટકેલી યોજના હવે અમલમાં આવી છે. એપ્રિલ માસમાં પાલિકાની બેઠકમાં મેયરની અધ્યક્ષસ્થાને આ પ્રોજેક્ટને લઈને ચર્ચા થઈ હતી. જેમાં સાંસદ ડૉ. હેમાંગ જોશી, કોર્પોરેશનના અધિકારીઓ અને અનેક કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વોર્ડ નં. 1ના કોંગ્રેસના કાઉન્સિલરો અમીબેન રાવત, પુષ્પાબેન વાઘેલા, જહાં દેસાઈ અને હરીશ પટેલે આ કામનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમ છતાં અંતે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. મંજૂરી મળ્યા બાદ પણ કામની શરૂઆતમાં ત્રણ મહિનાથી વધુ વિલંબ થયો હતો. તે સમયે કોંગ્રેસ કાઉન્સિલરોએ આ કામ રોકાવવા માટે જાહેર આંદોલન તેમજ કોર્ટનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ હાઇકોર્ટમાં રિટ પણ દાખલ કરી હતી. જેના પગલે જૂનના મધ્ય ભાગમાં પાલિકાને કામ અટકાવવાની લીગલ નોટીસ પણ મળી હતી. જો કે, જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ તેમણે રિટ પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ NGTમાં જવાની વાતો થઈ હતી, પરંતુ કોઈ આગળની કાર્યવાહી થઈ ન હતી.
હવે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને પાલિકાએ સર્વે સહિતની કામગીરી શરૂ કરી છે. પ્રોજેક્ટના અંતર્ગત 39.50 કરોડના અંદાજિત ખર્ચે કામ હાથ ધરવામાં આવ્યું છે અને 5 માસની સમય મર્યાદામાં પૂરું કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કામ બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં કેનાલથી છાણી જકાતનાકા સુધી અને બીજા તબક્કામાં છાણી જકાતનાકા સર્કલથી નિઝામપુરા મુક્તિધામ સુધી રી-રૂટનું કામ હાથ ધરાશે. પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ હવે તમામ ટેક્નિકલ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે.ભૂખી કાંસ રી-રૂટની આ યોજના વોર્ડ 1 અને 2 માં ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા ન થાય તે માટે કરવામાં આવી રહ્યું છે.