પ્રદેશ નિરીક્ષકો વડોદરામાં: ગણપત વસાવાએ કહ્યું, ‘વિસ્તાર, ઉંમર સાથે કાર્યકર્તાની વિશેષ ક્ષમતા ધ્યાને લેવાશે, અંતિમ નિર્ણય પ્રદેશ સમિતિનો.’


વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખની વરણી થયા બાદ હવે સંગઠનના અન્ય મહત્ત્વના હોદ્દેદારો જેમાં મહામંત્રી, ઉપપ્રમુખ, અને કાર્યાલય મંત્રીનો સમાવેશ થાય છે, તેની નિમણૂકની કવાયત તેજ બની છે. આ મામલે પ્રદેશ કમિટીના નિરીક્ષકો વડોદરા ખાતે આવી પહોંચ્યા છે અને તેમણે કાર્યકર્તાઓને સાંભળવાનું શરૂ કરી દીધું છે.
પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક પૂર્વે જ વડોદરા શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક થઈ ગઈ હતી. જોકે, પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત બાકી હોવાને કારણે સ્થાનિક સ્તરે મહામંત્રી, ઉપપ્રમુખ, અને કાર્યાલય મંત્રીની નિમણૂકનો મામલો અટવાયો હતો. હવે પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ ગઈ હોવાથી, પક્ષે સ્થાનિક હોદ્દેદારોની નિમણૂકની પ્રક્રિયાને આગળ ધપાવી છે.
આ સંદર્ભે, પ્રદેશ નિરીક્ષક તરીકે પૂર્વ મંત્રી ગણપત વસાવા અને ધારાસભ્ય મનન દાણી આજે જિલ્લા કાર્યાલય ખાતે આવ્યા છે.
નિરીક્ષક ગણપત વસાવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રી રત્નાકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સંગઠનની રચનાની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાની કામગીરીની જવાબદારી તેમને સોંપવામાં આવી છે.
વસાવાએ સ્પષ્ટ કર્યું હતું કે, જે કાર્યકર્તાઓ હોદ્દાને લાયક છે તેમની રજૂઆતો અને સૂચનોને ધ્યાનમાં લઈને એક યાદી તૈયાર કરાશે અને તે પ્રદેશ કક્ષા સુધી પહોંચાડવામાં આવશે.
વસાવાએ ઉમેર્યું હતું કે, શક્ય તેટલા તમામ કાર્યકર્તાઓને સંગઠનમાં સમાવવાનો પ્રયાસ કરવામાં આવશે, ખાસ કરીને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિમણૂકોને અંતિમ ઓપ આપવામાં આવશે.
નવા સંગઠનમાં જૂના હોદ્દેદારોને ‘રીપીટ’ કરવા કે ‘નો-રીપીટ’ના નિયમ અંગે હાલ કોઈ ચોક્કસ કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી નથી. ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ આ અંગેનો તમામ અહેવાલ તૈયાર કરીને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરશે.
સંગઠનની રચનાનો અંતિમ નિર્ણય પ્રદેશ સમિતિ જ લેશે. એટલે કે, નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી માત્ર ભલામણ હશે, અને દિલ્હીના દરબારમાં જે નિર્ણય થશે તે આખરી ગણાશે.
વડોદરામાં સંગઠનના હોદ્દેદારોની પસંદગીની કવાયત શરૂ થઈ ગઈ છે, અને રાજકીય વર્તુળોમાં હવે માત્ર એટલું જ જોવાનું બાકી છે કે, આગામી ચૂંટણીના રણનીતિને ધ્યાનમાં રાખીને પ્રદેશ સમિતિ યુવાનોને વધુ તક આપે છે કે અનુભવીઓને ‘રીપીટ’ કરે છે.
નિમણૂકમાં નીચેના મુખ્ય પરિબળોને ધ્યાને લેવામાં આવશે:
*ઉમેદવાર કયા વિસ્તારમાંથી આવે છે.
*યુવા અને અનુભવી કાર્યકર્તાઓનો સમન્વય.
*વ્યક્તિની સંગઠન માટેની કાર્યક્ષમતા.
*કાર્યકર્તાની કોઈ વિશેષ આવડત અથવા વિશેષ યોગદાન.