સ્વ-નિર્ભર શિક્ષકોને બેરોજગાર બનાવી દેશે તેવી આશંકા વ્યક્ત કરી :
સુપ્રીમ કોર્ટના ચુકાદાના સંદર્ભમાં સરકાર દ્વારા ઘડવામાં આવી રહેલા નિયમો સામે ગંભીર વાંધો ઉઠાવ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.4
ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ અધિનિયમ વિરુદ્ધ બરોડા એકેડમી એસોસિએશને વાંધો ઉઠાવ્યો છે. લગભગ એક લાખ જેટલા સ્વ-નિર્ભર શિક્ષકોને બેરોજગાર બનાવી દેશે તેવી આશંકા વ્યક્ત કરી જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી શિક્ષકોના હિતમાં ઉકેલ લાવવા માટે માંગણી કરી હતી.

ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ માટે લાવવામાં આવી રહેલા નવા અધિનિયમનો વિરોધ કરવા માટે આજે બરોડા એકેડમી એસોસિએશનના અગ્રણીઓએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને જોરદાર રજૂઆત કરી હતી. બીએએ એ સુપ્રીમ કોર્ટના ચુકાદાના સંદર્ભમાં સરકાર દ્વારા ઘડવામાં આવી રહેલા નિયમો સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. જે નિયમો ગુજરાતના લગભગ એક લાખ જેટલા સ્વ-નિર્ભર શિક્ષકોને બેરોજગાર બનાવી દેશે તેવી આશંકા વ્યક્ત કરી છે. આ નિયમથી મોટી સંખ્યામાં ટ્યુશન ક્લાસીસ બંધ થઈ જશે અને શિક્ષકોની રોજી છીનવાઈ જશે. ક્લાસીસ પર વધુ પડતી અને બિનજરૂરી સુવિધાઓ ઊભી કરવાનો બોજ નાખવામાં આવ્યો છે, જે નાના અને મધ્યમ કદના ક્લાસીસ માટે અશક્ય છે. અધિનિયમમાં રજિસ્ટ્રેશનના નિયમો પૂરતા સ્પષ્ટ ન હોવાથી શિક્ષકોમાં મૂંઝવણ અને અનિશ્ચિતતાનો માહોલ છે. બરોડા એકેડમી એસોસિએશનના પ્રમુખ વિપુલ જોષીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ નિયમોમાં તાત્કાલિક સુધારા કરવામાં આવે અથવા તેનો વિરોધ દર્શાવવા માટે આજે કલેક્ટર કચેરી ખાતે તેમજ વડોદરાના તમામ ધારાસભ્યને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે શિક્ષણ પ્રવૃત્તિને નિયંત્રિત કરવાના નામે ઘડાયેલા આ કડક નિયમો વાસ્તવમાં તેમને આર્થિક સંકટ તરફ ધકેલી રહ્યા છે. તેમણે સરકારને આ અધિનિયમ પર પુનર્વિચાર કરવા અને શિક્ષકોના હિતમાં ઉકેલ લાવવા માટે વિનંતી કરી છે.