ગત માસે વિસ્તારના નાગરિકોએ પ્રાથમિક સુવિધાઓ માટે પાલિકા વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો
દક્ષિણ ઝોનમાં ટ્રેન્ચલેસ પદ્ધતિથી જૂની ડ્રેનેજ લાઈન બદલાશે, રૂ. 6 કરોડના ખર્ચે માર્ચ 2026 સુધી કામ પૂર્ણ થશે
વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા દક્ષિણ ઝોન વિસ્તારમાં સરસ્વતી ચાર રસ્તાથી કોતર તલાવડી જંક્શન સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ ટ્રેન્ચલેસ પદ્ધતિથી હાથ ધરવામાં આવી રહ્યું છે. રૂ. 6 કરોડના ખર્ચે ચાલી રહેલું આ કામ માર્ચ 2026 સુધી પૂર્ણ કરવાની પાલિકાની યોજના છે. આ વિસ્તારની હાલની ડ્રેનેજ લાઈન વર્ષો જૂની અને જર્જરિત થઈ ગઈ છે. જેના કારણે વરસાદી ચેનલમાં સુવેઝ જતો હતો અને ડ્રેનેજ ચોક-અપ તથા મશીનહોલ ઉભરાવવાની સમસ્યા પણ થતી હતી. મહત્વનું છે કે, નાગરિકોએ ગત માસમાં જ આ બાબતે પ્રાથમિક સુવિધાઓ ન મળતા મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. હાલના પ્રોજેક્ટ અંતર્ગત 630 મીટર લંબાઈમાં મેન્યુઅલ પુશિંગ પદ્ધતિથી 1000 મીમી વ્યાસની M.S. પાઈપ નાખી તેમાં 600 મીમી વ્યાસની RCC પાઈપ નાખવાની કામગીરી હાથ ધરાઈ છે. આ નવીન લાઈન હાલની હયાત લાઈન સાથે જોડાશે.
સરસ્વતી ચાર રસ્તાથી કોતરતલાવડી જંક્શન સુધીના વિસ્તાર તેમજ અપસ્ટ્રીમ વિસ્તારોને આ નવી ડ્રેનેજ લાઈનથી સીધો લાભ થવાનો પાલિકાનો દાવો છે. નવી લાઈન કાર્યરત થયા બાદ ડ્રેનેજ ચોક-અપ અને મશીનહોલ ઉભરાવવાની ફરીયાદોનો અંત આવશે અને વરસાદી ચેનલમાં જતો સુવેઝ પણ બંધ થશે. અત્રે નોંધનીય છે કે, આ પહેલાં GIDC અલવાનાકાથી કોતર તલાવડી જંક્શન સુધી નવીન ડ્રેનેજ લાઈન નાખી તેને કાર્યરત કરવામાં આવી હતી. હવે આ નવા તબક્કા હેઠળ સરસ્વતી ચાર રસ્તાથી GIDC અલવાનાકા સુધીના ભાગમાં કામ ચાલી રહ્યું છે.