રાજસ્થાનના જયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. એક બેફામ ડમ્પરે પહેલા એક કારને ટક્કર મારી અને પછી પાંચ અન્ય વાહનોને પણ કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો.
આ અકસ્માત હરમારા પોલીસ સ્ટેશન વિસ્તારના લોહામંડી રોડ પર થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ડમ્પર અચાનક ખૂબ જ ઝડપે આવીને કારને જોરદાર ટક્કર મારી. ત્યારબાદ તે રોકાયા વિના પાંચ અન્ય વાહનો પર ચઢી ગયો. રસ્તા પર ચાલતા લોકો અને બાઈક સવારને પણ ડમ્પરે કચડી નાખ્યા હતા.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘણા લોકો કાર અને ડમ્પર નીચે ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસ ટીમે તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. ફસાયેલા લોકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા મુજબ ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે. જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે.
પ્રત્યક્ષદર્શીઓનો દાવો
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે ડમ્પરનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો. અકસ્માત પછી તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો.
એક સાક્ષીએ જણાવ્યું “ડમ્પરે રસ્તામાં આવનારા દરેકને કચડી નાખ્યા. લોકો ચીસો પાડી રહ્યા હતા પરંતુ ડ્રાઇવર રોકાયો નહીં. દૃશ્ય ખુબ જ ભયાનક હતું.”
પોલીસની કાર્યવાહી
પોલીસે તરત જ ડમ્પરને જપ્ત કરીને ડ્રાઇવર સામે કેસ નોંધ્યો છે. ટ્રાફિક નિયંત્રણ માટે રસ્તો થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યો હતો.
જયપુરના કલેક્ટર અને પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી. સરકાર તરફથી ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે તે માટે તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી છે.
આ દુર્ઘટનાએ સમગ્ર જયપુરને હચમચાવી દીધું છે. નશાની હાલતમાં ડ્રાઇવિંગના કારણે અનેક નિર્દોષ લોકોનાં જીવ ગયા છે. સ્થાનિક લોકો સરકારે કડક કાર્યવાહી અને સલામત માર્ગ વ્યવસ્થાની માંગ કરી છે.