ભારતની મહિલા ટીમે ઇતિહાસ રચ્યો છે. દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવીને પહેલી વાર મહિલા ODI વર્લ્ડ કપ જીત્યો. આ ઐતિહાસિક પળે સમગ્ર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. પુરુષ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ આ વિજયની ઉજવણીમાં જોડાયા. રોહિતની આંખોમાં ખુશીના આંસુ ચમકી ઊઠ્યા, જ્યારે કોહલીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કર્યું છે.
નવી મુંબઈના ડૉ. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવી ઐતિહાસિક વિજય મેળવ્યો. દેશભરના કરોડો ચાહકો સાથે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પણ આ જીતની ઉજવણી કરી.
આ મેચ જોવા રોહિત શર્મા સ્ટેડિયમમાં હાજર હતા. અને આખી મેચ દરમિયાન ટીમને ઉત્સાહ આપતા જોવા મળ્યા. મેચના અંતિમ ક્ષણે જ્યારે દીપ્તિ શર્માની બોલિંગ પર હરમનપ્રીત કૌરે વિજયી કેચ પકડ્યો ત્યારે સમગ્ર સ્ટેડિયમ “ભારત માતા કી જય” ના નારાથી ગુંજી ઉઠ્યું.
આ ક્ષણ દરમિયાન રોહિત શર્મા આકાશ તરફ જોતા જોવા મળ્યા અને તેમની આંખોમાં ખુશીના આંસુ ઝળહળી ઊઠ્યા હતા. આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયું.
વિરાટ કોહલીની ભાવુક પોસ્ટ
વિરાટ કોહલીએ ભારતની આ ઐતિહાસિક જીત બાદ તરત જ X (પૂર્વે ટ્વિટર) પર એક પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું;
“આવનારી પેઢીઓ માટે તમે પ્રેરણા છો. તમારા નીડર ક્રિકેટ અને આત્મવિશ્વાસથી તમે દરેક ભારતીયને ગૌરવનો અનુભવ કરાવ્યો છે. તમે બધા પ્રશંસાના હકદાર છો. હરમન અને આખી ટીમને અભિનંદન. જય હિન્દ!”
કોહલીની આ પોસ્ટને લાખો લાઇક્સ અને શેર મળ્યા અને અનેક ક્રિકેટપ્રેમીઓએ તેમની સાથે સહમત થઈ મહિલા ટીમની બહાદુરીની પ્રશંસા કરી.
ભારતની મહિલા ટીમની આ ઐતિહાસિક જીતે માત્ર ક્રિકેટ ઇતિહાસ જ બદલ્યો નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રને ગર્વનો અનુભવ કરાવ્યો છે. રોહિતની ઝળહળતી આંખો અને કોહલીની ભાવુક પોસ્ટ એ સાબિત કરે છે કે આ જીત સમગ્ર ભારતની છે. માત્ર મહિલા ટીમની નહીં.