( પ્રતિનિધી )વડોદરા,તા.2
અટલાદરા તળાવમાંથી મહાકાય કાચબો રોડ પર આવી ગયો હતો. આશરે 150 થી 200 કિલો વજનનો કાચબો જોઈ લોકો ચકિત થયા હતા. જ્યારે, જીવદયા પ્રેમીઓ પરોપકારી બની કાચબાને બચાવ્યો હતો. સાવધાનીપૂર્વક પાછો તળાવમાં છોડવામાં આવ્યો હતો. વરસાદે કાચબાને તળાવની બહાર લાવી દીધો હતો. આ ઘટનાએ વિસ્તારમાં આકર્ષણ અને ચર્ચાનો વિષય સર્જ્યો હતો.

વડોદરામાં કમોસમી વરસાદને કારણે જળચર જીવો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના કિસ્સા સપાટી પર આવવા પામ્યા છે. ખાસ કરીને સરિસૃપ જીવો અને મગરો રહેણાંક વિસ્તારોમાં દેખા દઈ રહ્યા છે. ત્યારે, આવા જીવોને બચાવવા માટે શહેરમાં એવી ઘણી સંસ્થાઓ કાર્યરત છે. જેઓ દ્વારા કોલ મળતાની સાથેજ જે તે સ્થળ જઈ જીવને કોઈ હાનિ ના પહોંચે તે પ્રકારે રેસ્ક્યુ કરી વનવિભાગની નર્સરી ખાતે સોંપવામાં આવે છે. જ્યાંથી તેને તેના વાતાનુકુલીત વાતાવરણમાં છોડી મુકવામાં આવે છે.

ત્યારે, ઘણા લાંબા સમય બાદ શહેરમાં એક વિશાળ કાચબો તળાવમાંથી બહાર આવી ગયો હતો. આશરે 150 થી 200 કિલો વજન ધરાવતા આ કાચબાને જોઈને લોકો અચંબિત થયા હતા. બનાવની જાણ થતા જ જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સાવધાની પૂર્વક સહી સલામત રીતે આ કાચબાને પરત તેના કુદરતી વાતાવરણ તળાવમાં છોડી મુકવામાં આવ્યો હતો.