National

બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી

બિહારમાં રાજકીય હલચલ વચ્ચે મોટું પગલું લેવામાં આવ્યું છે. મોકામામાં થયેલી દુલારચંદ યાદવની હત્યા બાદ પોલીસે બાહુબલી નેતા અને જનતા દળ (યુનાઇટેડ)ના ઉમેદવાર અનંત સિંહની ધરપકડ કરી છે. દુલારચંદ યાદવ અને અનંત સિંહ વચ્ચે લાંબા સમયથી શત્રુતા ચાલતી હતી. જેના કારણે હત્યાનો મુખ્ય શંકાસ્પદ અનંત સિંહને બનાવવામાં આવ્યો છે.

મધરાતે છાપો મારી ધરપકડ
પટના પોલીસની ટીમે ગતરોજ મોડી રાત્રિના સમયે કારગિલ માર્કેટ વિસ્તારથી અનંત સિંહને ઝડપી પાડ્યો. ત્યારબાદ તેમને પટના લઈ જવામાં આવ્યા. પટનાના SSP કાર્તિક શર્માએ જણાવ્યું કે દુલારચંદ હત્યાકાંડની પ્રાથમિક તપાસ બાદ અનંત સિંહને મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે અનંત સિંહના બે નજીકના સહયોગી, મણિકાંત ઠાકુર અને રણજીત રામને પણ કસ્ટડીમાં લીધા છે. SSPએ જણાવ્યું કે તપાસમાં સાબિત થયું છે કે અનંત સિંહ અને તેના સહયોગીઓ ઘટનાસ્થળે હાજર હતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ દુલારચંદના શરીર પર ગોળી તથા ગંભીર ઈજાના નિશાન મળ્યા છે.

30 ઓક્ટોબરે અથડામણ થઈ હતી
આ સમગ્ર ઘટના તા. 30 ઓક્ટોબરની છે. જ્યારે મોકામામાં બે જૂથો વચ્ચે ભારે અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન દુલારચંદ યાદવના માથામાં ગોળી વાગી હતી. જેના કારણે તેમનું મોત થયું હતું. ઘટનાના બાદ બંને પક્ષોએ એકબીજા સામે FIR નોંધાવી હતી.

FSL તપાસ અને ચૂંટણી પંચની નજર
ઘટનાસ્થળેથી FSL ટીમે પુરાવા અને પથ્થરનાં નમૂનાઓ એકત્ર કર્યા છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે DGP પાસેથી સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે.

રાજકીય તણાવમાં વધારો
દુલારચંદ યાદવ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી સાથે જોડાયેલા હતા. તેમની હત્યા બાદ સમગ્ર મોકામા વિસ્તાર તણાવગ્રસ્ત બની ગયો છે. ઘટનાના બાદ RJD ઉમેદવાર વીણા દેવીના કાફલા પર પણ પથ્થરમારાની ઘટના બની હતી.

હાલમાં અનંત સિંહને પોલીસ રિમાન્ડ પર લઈ પૂછપરછ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે રાજકીય રંજિશને કારણે હત્યાનો એંગલ સૌથી મજબૂત છે અને વધુ પુરાવા એકત્ર કરવા માટે તપાસ ચાલુ છે.

Most Popular

To Top