રજાદિવસે પણ કર્મચારીઓ સ્થળાંતર કાર્યમાં તનતોડ વ્યસ્ત; સોમવારથી નવી કચેરી જનસેવા માટે થશે કાર્યરત

વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 13ની કચેરીના સ્થળાંતરનું કામ અંતિમ તબક્કે પહોંચી ગયું છે. વોર્ડની જૂની ઓફિસમાંથી નવી કચેરીમાં જરૂરી સામાન, ફાઈલો, દસ્તાવેજો અને ફર્નિચર ખસેડવાની પ્રક્રિયા પૂરતી થઈ ગઈ છે. હવે સોમવારથી વોર્ડ 13ની નવી કચેરી સંપૂર્ણ રીતે કાર્યરત બનશે.



સ્થળાંતરની પ્રક્રિયા દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. પાલિકાના અગત્યના રેકોર્ડ તથા દસ્તાવેજો ખુલ્લા ટેમ્પામાં લઈ જવામાં આવ્યા હતા. ટ્રાન્સપોર્ટ દરમિયાન સુરક્ષાની પૂરતી કાળજી લેવામાં આવી ન હોવાના કારણે અનેક સવાલો ઊભા થયા છે. જો માર્ગમાં અકસ્માત કે વરસાદ જેવી પરિસ્થિતિ સર્જાત, તો દસ્તાવેજોના નુકસાન માટે જવાબદારી કોણની રહે તેવી ચર્ચા હાથ ધરાઈ રહી છે.
આ સ્થળાંતર પ્રક્રિયામાં રજાના દિવસે પણ પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેવન્યુ ઓફિસર સહિતના કર્મચારીવર્ગે ફાઈલ ગોઠવણ, ફર્નિચરના હિલચાલ, ઇલેક્ટ્રોનિક સાધનોની સ્થાપના અને નવી કચેરીમાં જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવાની કામગીરી આખો દિવસ ચાલુ રાખી. કર્મચારીઓએ જણાવ્યું કે નાગરિકોને સેવા આપવા વિલંબ ન થાય તે માટે તાત્કાલિક સમયમર્યાદામાં સ્થળાંતર પૂર્ણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
નવી કચેરીમાં વોર્ડના તમામ વિભાગોને એક જ છત હેઠળ લાવવામાં આવ્યા હોવાથી હવે નાગરિકોને તેમની અલગ-અલગ કામગિરી માટે જુદા કેન્દ્રોમાં જવાની તકલીફ નહીં રહે. સોમવારથી નવી ઓફિસ સામાન્ય જનતા માટે ખુલ્લી રહેશે અને તમામ કામકાજ નવી જગ્યા પરથી શરૂ થશે.