Editorial

બંગાળની ખાડી અને અરબ સાગરમાં આવતાં ચક્રવાતને 13 દેશો દ્વારા વારાફરતી નામ અપાય છે

બંગાળની ખાડી એવો દરિયો બની ગઈ છે કે જ્યાં વારંવાર ચક્રવાત કે વાવાઝોડા આવતા જ રહે છે. હાલમાં મોન્થા નામનું વાવાઝોડું દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ અને તમિલનાડુને ધમરોળી રહ્યું છે. 110 કિ.મી.ની ઝડપે પવનો ફુંકાઈ રહ્યા છે અને આશરે એક લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે. અનેક લોકોના મોત પણ થયા છે. છેલ્લા એક જ વર્ષમાં બંગાળની ખાડીમાંથી આશરે ચારેક જેટલા વાવાઝોડા આવી ચૂક્યા છે. અગાઉ ઓગષ્ટ, 2024માં બંગાળની ખાડીમાં આવેલા વાવાઝોડાને અસના એટલે કે પ્રશંસનીય નામ આપવામાં આવ્યું હતું. બાદમાં ઓકટોબરમાં દાના એટલે કે ઉદારતા નામ આપવામાં આવ્યું હતું. બાદમાં નવેમ્બરમાં ફેંગલ એટલે કે ઉદાસીન નામનું વાવાઝોડું આવ્યું. હાલમાં જે વાવાઝોડું આવ્યું તેને મોન્થા નામ આપવામાં આવ્યું અને તેનો અર્થ સુગંધિત ફુલ થાય છે. જ્યારે પણ ચક્રવાત આવે ત્યારે તે ગરમ સમુદ્દની ઉપર રચાય છે.

આ ચક્રવાત જમીન પર આવે ત્યારે તેની સાથે ભારે પવનો અને વરસાદ પણ લાવે છે. વાવાઝોડાને નામો આપવાની પ્રથા સદીઓથી ચાલી રહી છે. 18મી સદી સુધી સાઇક્લોનના નામ કેથલિક સંતોનાં નામ પર રાખવામાં આવતાં હતાં. 19મી સદીમાં સ્ત્રીઓનાં નામ પર સાઇક્લોનના નામ રાખવાનું શરૂ થયું. 1979થી એમને પુરુષ નામ પણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. 2000માં સંયુક્ત રાષ્ટ્રના ‘ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફૉર એશિયા એન્ડ પેસિફિક’ એટલે કે ESCAP અને WMOએ બંગાળની ખાડી અને અરબ સાગરમાં આવતા ચક્રવાતોનાં નામ રાખવાની એક પદ્ધતિ શરૂ કરી. સપ્ટેમ્બર 2004થી આ વિસ્તારમાં તોફાનોને નામ આપવાનું શરૂ થયું.

આ વાવાઝોડાને નામ આપનારા બાંગ્લાદેશ, ભારત, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા, થાઇલેન્ડ સહિતના 8 દેશો છે.  આ 8 દેશે કુલ 64 નામ આપ્યાં હતા. જે  2018 સુધી ચાલ્યાં હતાં. 2018માં આ 8 દેશોમાં વધુ 5 દેશ, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ અને યમનનો સમાવેશ પણ કરવામાં આવ્યો. આ તમામ 13 દેશ પોતાના નામની શરૂઆતના આલ્ફાબેટ મુજબ વધતા ક્રમમાં નામ આપે છે. આ વખતે મોન્થા નામ પણ થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે. જોવા જેવી વાત છે કે ભારતના પૂર્વી તટ અથવા બંગાળની ખાડીમાં 1891થી 1990 સુધી લગભગ 100 વર્ષમાં આશરે 262 સાઈક્લોન આવ્યા હતા. જેમાંથી અરબ સાગરમાં ફક્ત 33 સાઇક્લોન જ આવ્યા હતા. કારણ કે બંગાળની ખાડીના સમુદ્રનું પાણીનું તાપમાન અરબ સાગર કરતાં વધારે છે.

Most Popular

To Top