ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજ રોજ તા.29 ઓક્ટોબરના રોજ બુધવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. ખાસ વાત એ છે કે આ એ જ રાફેલ વિમાન હતું જેનો ઉપયોગ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સામે “ઓપરેશન સિંદૂર” દરમિયાન કર્યો હતો. આ વિમાને એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનના નિયંત્રણવાળા વિસ્તારોમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરબેઝ પર પહોંચતા જ ગાર્ડ ઓફ ઓનર સ્વીકાર્યો હતો. ત્યારબાદ તેમણે રાફેલ જેટમાં એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ સાથે ઉડાન ભરી. એર ચીફ પોતે વિમાન ઉડાવી રહ્યા હતા અને રાષ્ટ્રપતિ પાછળની સીટ પર બેઠા હતા. આ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો બીજો ફાઇટર જેટ ફ્લાઈટ અનુભવ છે.
આ પહેલા તા. 8 એપ્રિલ 2023ના રોજ તેમણે આસામના તેઝપુર એરફોર્સ સ્ટેશન પરથી સુખોઈ-30 MKI જેટમાં ઉડાન ભરી હતી. તે સમયે તેઓ એવા ત્રીજા ભારતીય રાષ્ટ્રપતિ બન્યા હતા જેમણે ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી.
રાફેલ જેટનું નિર્માણ ફ્રાન્સની દસોલ્ટ એવિએશન કંપનીએ કર્યું છે. સપ્ટેમ્બર 2020માં તેને ભારતીય વાયુસેનામાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યો હતો. પ્રથમ પાંચ રાફેલ વિમાનોને 17મા સ્ક્વોડ્રન “ગોલ્ડન એરોઝ” સાથે જોડવામાં આવ્યા હતા. જે અંબાલા એરબેઝ પર કાર્યરત છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન તા. 7 મેના રોજ રાફેલ જેટોએ પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી કેમ્પો પર ચોક્કસ નિશાન સાધીને હુમલો કર્યો હતો. આ હુમલાઓ પછી ચાર દિવસ સુધી તણાવભર્યા લશ્કરી અથડામણો થઈ હતી. જે 10 મેના રોજ ceasefire (લશ્કરી કરાર) સાથે સમાપ્ત થઈ.
રાષ્ટ્રપતિના આ ઉડાનના પ્રસંગને ભારતીય વાયુસેનાએ ગૌરવનો ક્ષણ ગણાવ્યો છે. વાયુસેના અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલની શક્તિ અને તેની ટેકનોલોજી વિશે વિગતવાર માહિતી મેળવી અને ભારતીય વાયુસેનાના શૌર્યની પ્રશંસા કરી.
રાફેલ વિમાનને ભારતના રક્ષણ માટે “ગેમ ચેન્જર” માનવામાં આવે છે અને રાષ્ટ્રપતિની આ ઉડાન ભારતની વાયુસેના પ્રત્યે વિશ્વાસ અને ગૌરવનું પ્રતિક માનવામાં આવી રહી છે.