વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી માટે અનામત યાદી જાહેર કરાઈ
મહિલાઓ માટે 38 બેઠકો અનામત, 19 વોર્ડમાં ફેરબદલ પદ્ધતિથી કેટેગરી નક્કી થઈ


વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે અનામત બેઠકોની યાદી જાહેર થઈ છે. વર્ષ 2011ની વસતિ ગણતરી મુજબ વડોદરાની કુલ વસતિ 1.74 લાખ ગણવામાં આવી છે. શહેરમાં કુલ 19 વોર્ડ છે, જેમાં પ્રતિ વોર્ડ સરેરાશ વસતિ 81 હજાર 573 છે. આ આંકડા મુજબ સરેરાશ વસતિમાં 10 ટકાનો વધારો ગણીએ તો તે આશરે 1 લાખ થાય છે, જ્યારે 10 ટકાનો ઘટાડો ગણીએ તો આંક 74 હજારની આસપાસ રહે છે. આ વસતિના ધોરણે આગામી ચૂંટણી માટે કુલ 76 બેઠકો નક્કી કરવામાં આવી છે. તેમાં કુલ 54 બેઠકો વિવિધ વર્ગો અને મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે 22 બેઠકો સામાન્ય વર્ગ માટે ખુલ્લી રહેશે. કુલ બેઠકોમાંથી મહિલાઓ માટે 38 બેઠકો અનામત રાખવામાં આવી છે. અનુસૂચિત જાતિ (SC) માટે કુલ 5 બેઠકો અનામત છે જે પૈકી બે બેઠકો મહિલાઓ માટે રાખવામાં આવી છે. અનુસૂચિત આદિજાતિ (ST) માટે 3 બેઠકો અનામત છે જેમાંથી 1 બેઠક મહિલાઓ માટે રહેશે. પછાત વર્ગ માટે કુલ 21 બેઠકો અનામત રાખવામાં આવી છે જેમાંથી 10 બેઠકો મહિલાઓ માટે નક્કી કરાઈ છે.
આ રીતે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 76માંથી 54 બેઠકો અનામત રહેશે. કુલ 19 વોર્ડમાં મહિલાઓ માટે 50 ટકા અનામત રાખવામાં આવ્યું છે. અનામત વ્યવસ્થા ફેરબદલ પદ્ધતિથી તૈયાર કરવામાં આવી છે જેથી અગાઉ જે વોર્ડ અનામત હતો તે હવે સામાન્ય કેટેગરીમાં આવ્યો છે અને સામાન્ય વોર્ડ હવે અનામત કેટેગરીમાં આવ્યો છે. વહીવટી તંત્ર મુજબ, આ અનામત યાદી રાજ્ય સરકારના માર્ગદર્શક સૂચનો અને કાયદાકીય માપદંડ મુજબ તૈયાર કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં ચૂંટણીની તારીખ જાહેર થતાં પ્રક્રિયા આગળ વધશે. મળતી માહિતી મુજબ ચૂંટણી ફેબ્રુઆરી પછી યોજાવાની શક્યતા છે.