Vadodara

“ચૂંટાયા પછી ક્યાં જતા રહો છો?” નવાપુરા 56 ક્વાર્ટર્સમાં પાણી ન ઓસરતાં સ્થાનિકોનો પિત્તો ગયો

મોટા ભાગના વિસ્તારો સુકાયા પણ 56 ક્વાર્ટર્સમાં પાણી યથાવત: નગરસેવક જાગૃતિ કાકાની મુલાકાત દરમિયાન સ્થાનિકોનો રોષ ભભૂક્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોવા પણ ન આવતા હોવાનો આક્ષેપ

વડોદરા શહેરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના પાણી મહદઅંશે ઓસરી ગયા છે, પરંતુ વડોદરાના વોર્ડ નંબર 13 હેઠળના નવાપુરા સ્થિત 56 ક્વાર્ટર્સ વિસ્તારમાં પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. અહીં વરસાદી પાણીનો ભરાવો યથાવત રહેતા, ગંદકી અને રોગચાળાની ભીતિ વચ્ચે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
​આ ગંભીર સ્થિતિમાં, આજે વોર્ડના નગરસેવક જાગૃતિ કાકા સમસ્યાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યા, ત્યારે તેઓને નાગરિકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોએ નગરસેવકને ઘેરી વળીને સણસણતા આક્ષેપો કર્યા હતા કે, “પાણી ભરાયાના આટલા કલાકો પછી પણ કોર્પોરેટર જોવા આવતા નથી. અમે ચૂંટેલા પ્રતિનિધિ છીએ, તેમ છતાં અમારી સમસ્યા સાંભળવા કોઈ તૈયાર નથી.” સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે, જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે, ત્યારે નગરસેવક માત્ર આશ્વાસન આપીને જતા રહે છે, પરંતુ આ પાણી ભરાવવાની કાયમી સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવતો નથી.
વારંવારની રજૂઆતોથી થાકેલા અને દર વર્ષે જળબંબાકારની સ્થિતિથી પરેશાન 56 ક્વાર્ટર્સના નાગરિકોએ આજે પોતાનો બળાપો કાઢ્યો હતો અને કોર્પોરેટરને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમને માત્ર આશ્વાસન નહીં, પરંતુ ગટર લાઈન સુધારવા અથવા પાણીના નિકાલ માટેની કાયમી વ્યવસ્થા જોઈએ છે. સ્થાનિકોએ નગરસેવકને આડે હાથ લેતા, સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
ચૂંટણી સમયે મત માગવા આવતા પ્રતિનિધિઓ મુશ્કેલીના સમયે પીઠ ફેરવી લેતા હોવાનો આક્ષેપ કરીને, આ રોષે ભરાયેલા નાગરિકોએ તંત્રને ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનો તત્કાલ અને કાયમી ઉકેલ નહીં આવે, તો તેઓ વધુ ઉગ્ર આંદોલન માટે મજબૂર બનશે.

Most Popular

To Top