Vadodara

41 વર્ષ જૂની ગોરવા ટાંકી તોડી રૂ.27.39 કરોડના ખર્ચે નવી ઉંચી ટાંકી અને સંપ બનશે

વહીવટી વોર્ડ નં.8માં આવેલા જૂના ગોરવા વોટર સપ્લાય પ્રોજેક્ટને આધુનિક બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષ 1984માં બનેલી ગોરવા વિસ્તારની ઉંચી ટાંકી અને ભૂગર્ભ સંપ હાલ જર્જરીત હાલતમાં હોવાનું કન્સલ્ટન્ટના રિપોર્ટમાં જણાયા બાદ આ આખી વ્યવસ્થા તોડી નવું બાંધકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલી દરખાસ્ત મુજબ, અહીં નવી ઉંચી ટાંકી, ભૂગર્ભ સંપ, પંપીંગ મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટેશન તેમજ અન્ય સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતનું સંપૂર્ણ કામ તથા પાંચ વર્ષના ઓપરેશન અને મેઇન્ટેનન્સ (O&M) સહિતનો પ્રોજેક્ટ હાથ ધરાશે. આ માટે ઇજારદાર મે. ક્રિષ્ના કન્સ્ટ્રક્શન કુ.નું પર્સન્ટેજ રેટ ભાવપત્ર મૂળ અંદાજીત રકમ રૂ.20.48 (GST બાદ) કરોડ કરતા 33.75% વધુ મુજબનું રૂ.27.39 કરોડ + GSTનું છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યો છે. હાલ ગોરવા ટાંકી ખાતે 13.50 લાખ લીટરની ઉંચી ટાંકી અને 27 લાખ લીટરના બે ભૂગર્ભ સંપ છે. કન્સલ્ટન્ટ રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાવવામાં આવેલા સ્ટ્રકચરલ સ્ટેબિલિટી ટેસ્ટમાં આ ટાંકી તથા સંપ જર્જરીત હોવાનું જણાતા ડીમોલીશ કરવાની ભલામણ કરાઈ હતી.

કામના તબક્કાઓ મુજબ પહેલો તબક્કો હાલની ટાંકીમાંથી પાણી વિતરણ બંધ કરી બાયપાસ લાઇન દ્વારા પંપીંગ સિસ્ટમ ચાલુ કરવાની રહેશે. બાદમાં ઉંચી ટાંકી, સંપ, પંપ હાઉસ અને ટ્રાન્સફોર્મર રૂમ તોડી પાડવામાં આવશે. નવા પ્રોજેક્ટ અંતર્ગત 20 લાખ લીટરની નવી ઉંચી ટાંકી, 80 લાખ લીટરના ભૂગર્ભ સંપ, ફીડર લાઇન, પંપ હાઉસ, ટ્રાન્સફોર્મર રૂમ, અને ઇલેક્ટ્રો-મેકેનિકલ પંપીંગ મશીનરી સાથેની સુવિધા ઉભી કરાશે. આ આખા પ્રોજેક્ટનો અંદાજ રૂ.24.23 કરોડ (GST સહીત) રાખવામાં આવ્યો હતો, જ્યારે નેટ અંદાજીત રકમ રૂ.20.48 કરોડ ગણવામાં આવી હતી. ચોથા પ્રયત્ને બે ઇજારદારોએ ભાવપત્ર રજૂ કર્યા હતા, જેમાં સૌથી ઓછો દર ક્રિષ્ના કન્સ્ટ્રક્શન કુ.નો રહ્યો હતો. આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ ગોરવા વિસ્તાર માટે નવો વોટર સપ્લાય માળખું ઊભું થશે. જે આગામી વર્ષો સુધી શહેરના પશ્ચિમ ઝોનને પાણી પુરવઠામાં સ્થિરતા આપશે તેવો પાલિકાનો દાવો છે.

Most Popular

To Top