વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં ભારે વરસાદ બાદ હજી પણ વરસાદી પાણી ભરાયેલા છે. ખાસ કરીને 56 ક્વાર્ટર વિસ્તારના ઘણા મકાનોમાં પાણી ઘૂસતા લોકોના ઘરવખરીને નુકસાન થયું છે. 12 કલાકથી વધુ સમય વીતી જવા છતાં પાણીનો નિકાલ ન થતા રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રહીશોનું કહેવું છે કે તેઓ વારંવાર પાલિકા અધિકારીઓને જાણ કરે છે છતાં વિસ્તારની સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. કેટલાક લોકોએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, વોટ લેવા નેતાઓએ હાથ જોડ્યા હતા, આજે અમે મદદ માટે હાથ જોડવા મજબૂર છીએ. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વિસ્તારની ડ્રેનેજ લાઈન વર્ષોથી સાફ કરવામાં આવી નથી, જેના કારણે વરસાદી પાણી ભરાઈ જવાનું સામાન્ય બની ગયું છે. બાળકો અને વૃદ્ધોને ઘરમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે, તો ઘરના સામાનને પણ નુકસાન થયું છે. રહીશોએ પાલિકાને તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવા અને વિસ્તારની ડ્રેનેજ લાઈનની સફાઈ કરાવવા માંગણી કરી છે.