વર્ષા સોસાયટીથી વૃંદાવન ચાર રસ્તા સુધીના મુખ્ય માર્ગનું લેવલ નીચું હોવાથી ચોમાસામાં પાણી ભરાય છે.
ટ્રાફિક ભારણના લીધે રાત્રે કામ કરવું પડશે
શહેરના પૂર્વ ઝોનમાં વર્ષા સોસાયટીથી વૃંદાવન ચાર રસ્તા સુધીના 13.5 મીટર પહોળા મુખ્ય માર્ગ પર ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યાને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 4.14 કરોડના ખર્ચે નવી કવર્ડ આરસીસી વરસાદી ચેનલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. કોર્પોરેશન દ્વારા સર્વે કરી આ ખર્ચાળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, જેને મંજૂરી માટે રજૂ કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષા સોસાયટીથી પ્રભુનગર સોસાયટી સુધીના માર્ગ પર હાલમાં માત્ર 20 ઇંચ ડાયામીટરની જૂની વરસાદી ગટર કાર્યરત છે. જોકે, પ્રભુનગર સોસાયટીથી વૃંદાવન ચાર રસ્તા સુધી કવર્ડ વરસાદી ચેનલ છે, જે આગળ જઈને રૂપારેલ કાંસને મળે છે. પરંતુ, જૂની વરસાદી ગટરની ક્ષમતા ઓછી હોવાથી અને પ્રભુનગર સોસાયટી પાસેના રસ્તાનું લેવલ મુખ્ય માર્ગની સરખામણીમાં 0.30 મીટર નીચું હોવાથી ભારે વરસાદના સમયે લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે. આના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ સમસ્યાના કાયમી નિવારણ માટે હવે મોટી ક્ષમતાની વરસાદી ગટર અને ચેનલ બનાવવી અનિવાર્ય બની છે. સર્વે મુજબ, વર્ષા સોસાયટીથી પ્રભુનગર સોસાયટી સુધી 365 મીટર લંબાઈમાં અને પ્રભુનગર સોસાયટીથી વૃંદાવન ચાર રસ્તા સુધી 415 મીટર લંબાઈમાં નવી કવર્ડ આરસીસી ચેનલ બનાવવાનું આયોજન છે. જોકે, આ કામગીરી માટે પ્રભુનગર સોસાયટીથી વૃંદાવન ચાર રસ્તા સુધીનો ગેરંટી પીરીયડ હેઠળનો પાકો રસ્તો તોડીને કામગીરી કરવી પડશે.
આ માર્ગ શહેરનો મુખ્ય માર્ગ હોવાથી અહીં ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધારે રહે છે, અને રસ્તો પણ સાંકડો છે. તેથી નવી ગટર અને ચેનલ બનાવવાનું કાર્ય પડકારજનક રહેશે. મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ખોદકામ અને જૂની લાઈનો જેમ કે વોટર લાઈન, કેબલ ને ટ્રાન્સફર કરવાની તેમજ જૂની લાઈનો સાથે કનેક્શન કરવાની કામગીરી ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ફરજિયાતપણે રાત્રિના સમયે કરવી પડશે. ઉપરાંત, આ વિસ્તારમાં વોટર ટેબલ પણ ઊંચું હોવાથી ખોદકામ દરમિયાન વિશેષ કાળજી લેવી પડશે.
મહાનગરપાલિકા દ્વારા વરસાદી ચેનલનું આ મહત્ત્વપૂર્ણ કાર્ય તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે, જેથી આગામી ચોમાસા પહેલાં આ વિસ્તારના લોકોને જળબંબાકારની સમસ્યામાંથી રાહત મળી શકે.