National

GSTમાં ઘટાડાથી સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં વધારો, તહેવારોની રોનક વધી: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ રોજ રવિવારે તા.26 ઓક્ટોબર ઓલ ઈન્ડિયા રેડિયો પર “મન કી બાત” કાર્યક્રમના 127મા એપિસોડમાં દેશ-વિદેશના લોકો સાથે વિવિધતા મુદ્દાઓ પર વાત કરી હતી. જેમાં તેમણે તહેવારોની સિઝનમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં થયેલા વધારા અને લોકોની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિની પ્રશંસા કરી.

સ્વદેશી ખરીદી અને ખાદ્ય તેલનો ઘટાડો
આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં ભારે વધારો નોંધાયો છે. લોકોમાં તહેવારોને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને GST બચત મહોત્સવને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. બજારોમાં સ્વદેશી ઉત્પાદનોની માંગ વધી છે. જે “વોકલ ફોર લોકલ” અભિયાનને નવી ઉર્જા આપી રહી છે.

મોદીએ ખાદ્ય તેલના વપરાશમાં 10 ટકા ઘટાડા માટે કરેલા પોતાના આગ્રહનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે લોકોને આ પહેલ માટે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જે સ્વસ્થ ભારત તરફનું પગલું છે.

અંબિકાપુરના “ગાર્બેજ કાફે”ની પ્રશંસા
સ્વચ્છતાના ક્ષેત્રમાં એક અનોખી પહેલ માટે મોદીએ છત્તીસગઢના અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે “ગાર્બેજ કાફે”માં લોકો પ્લાસ્ટિકનો કચરો આપી ભોજન મેળવી શકે છે. એક કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક આપનારાને લંચ કે ડિનર આપવામાં આવે છે. જ્યારે અડધો કિલો પ્લાસ્ટિક લાવનારાને નાસ્તો મળે છે. મોદીએ આ પહેલને “સ્વચ્છતા અને માનવતા બંનેનું ઉત્તમ સંયોજન” ગણાવ્યું.

સ્વદેશી શ્વાનોની બહાદુરી
મોદીએ સુરક્ષા દળોમાં સ્વદેશી શ્વાનોના યોગદાનની પ્રશંસા કરી. તેમણે લખનઉની ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં BSF દ્વારા તાલીમ પામેલા “રિયા” નામના મુધોલ હાઉન્ડ શ્વાનનો ઉલ્લેખ કર્યો. જેણે વિદેશી જાતિઓને હરાવીને પ્રથમ ઈનામ જીત્યું. ઉપરાંત છત્તીસગઢમાં પેટ્રોલિંગ દરમિયાન 8 કિલોગ્રામ વિસ્ફોટકો શોધી કાઢનાર CRPFના સ્વદેશી શ્વાનની બહાદુરીની પણ ચર્ચા કરી.

મેન્ગ્રોવ્સના સંરક્ષણ પર ભાર
પર્યાવરણના સંરક્ષણ અંગે મોદીએ દરિયાકિનારાના મેન્ગ્રોવ્સના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે મેન્ગ્રોવ્સ ખારા પાણીમાં ઉગે છે અને સુનામી કે ચક્રવાત જેવી કુદરતી આફતો વખતે દરિયાકિનારાનું રક્ષણ કરે છે. આમ પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આ વિશેષ મુદાઓ પર વાત કરી હતી.

Most Popular

To Top