( પ્રતિનિધી )વડોદરા,તા.26
વડોદરા શહેરમાં લાભપાંચમના શુભ દિવસે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરમાં લાભપાંચમના શુભ દિને વહેલી સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો હતો.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ઉકળાટ અને બફારા વચ્ચે ઠંડક પ્રસરતાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકને નુકશાન થશે. ગત મોડી સાંજથી શહેરમાં વાદળિયું વાતાવરણ છવાયું હતું. ત્યારે, કારેલીબાગ, અમિતનગર, વાઘોડિયા રોડ, દાંડિયાબજાર અને હરણી વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી.