Vadodara

પાલિકાના ‘ભૂવા નહીં પડે’ના દાવા પોકળ: અકોટા-મુજમહુડા રોડ પર આખી ગાડી સમાઈ જાય તેવો મહાકાય ભૂવો!

નિષ્ફળતા છુપાવવા લીલો પડદો: મસમોટા ભૂવા ફરતે આડાશ ઉભી કરાઈ, કોંગ્રેસના આરોપ: તંત્ર ઇવેન્ટોમાંથી ઊંચું આવતું નથી.

વડોદરા નૂતન વર્ષના પ્રારંભના માત્ર ત્રીજા જ દિવસે વડોદરા મહાનગરપાલિકા ની બેદરકારી અને નબળી કામગીરી ફરી એકવાર ઉજાગર થઈ છે. શહેરના અકોટા અને મુજમહુડાને જોડતા વ્યસ્ત માર્ગ પર એક મસમોટો ભૂવો પડ્યો છે, જે એટલો વિશાળ છે કે આખી ગાડી તેમાં ગરકાવ થઈ જાય. આ ઘટનાએ નાગરિકોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે, તેમજ કોર્પોરેશન દ્વારા માર્ગોના નિર્માણ અને જાળવણીમાં કરવામાં આવતી ગુણવત્તા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકોટાથી મુજમહુડા તરફ જતા માર્ગ પર આ મોટો ભૂવો પડ્યો છે. ભૂવાની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક તેની ફરતે આડાશ અને લીલો પડદો લગાવી દેવામાં આવ્યો છે. જોકે, વિપક્ષના આગેવાનો દ્વારા આ પગલાંને પાલિકાની નિષ્ફળતા છુપાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. દિપાવલી પર્વ નિમિત્તે વિવિધ ઇવેન્ટ્સ અને ઉત્સવોમાં વ્યસ્ત રહેલું તંત્ર હવે આ ગંભીર ભૂવાની મરામત ક્યારે કરે છે, તે જોવું રહ્યું.
સ્થાનિક સામાજિક કાર્યકર્તાએ તંત્રની નિષ્ફળતા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ રોડ પર નવા વર્ષમાં નવો ભૂવો પડ્યો છે. મુજમહુડા ખાતે ભૂવા પડવાની ઘટનાઓથી પાલિકાની નિષ્ફળતા અગાઉ પણ સામે આવી હતી, અને હવે અકોટા ખાતે પણ તે જ દશા જોવા મળી રહી છે.” તેમણે ઉમેર્યું હતું કે, આ પાછળ પાલિકા અને શાસક પક્ષના નેતાઓની ભૂલ સ્પષ્ટ છે.
સ્થાનિક આગેવાને નાગરિકોને પણ સચેત રહેવા જણાવ્યું હતું અને તંત્રની જવાબદારી પર ભાર મૂક્યો હતો. “ક્યારેક એવું પણ બને કે તમે પરિવાર સાથે નીકળ્યા હોવ, અને આવા ખાડામાં પડો, ત્યારે કોની જવાબદારી? તંત્ર માત્ર વાતો કરશે, થોડાક દિવસ પછી બધું ભુલાઈ જશે,” તેમણે જણાવ્યું હતું. તેમણે માંગ કરી કે, આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે અધિકારીઓને જગાડવા પડશે, કેમકે નેતાઓ નિષ્ફળ રહ્યા છે અને પાલિકા કમિશનર ઇવેન્ટોમાંથી ઊંચા આવતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુજમહુડા વિસ્તારમાં અગાઉ પણ શહેરના સૌથી મોટા ભૂવાઓ પડ્યા હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે. પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આ ભૂવાઓને રિપેર કરવામાં આવ્યા હોવા છતાં, કોઈ કાયમી સમાધાન લાવી શકાયું નથી. વારંવાર પડતા આ ભૂવાઓ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની નબળી ગુણવત્તાનો પુરાવો આપે છે.
વર્તમાન ભૂવો પડવાને કારણે અકોટા-મુજમહુડા માર્ગનો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેને પગલે નૂતન વર્ષના પ્રારંભે જ આ વિસ્તારના નાગરિકોને અવરજવર અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
​સમગ્ર ઘટનાને પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂગર્ભ ગટર અને માર્ગ નિર્માણની કામગીરીની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે, અને નાગરિકો હવે તંત્ર ઝડપથી અને અસરકારક રીતે કાયમી સમાધાન લાવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

Most Popular

To Top