જાપાનના રાજકારણના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. નેતા સના તાકાઈચીને જાપાન દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમની પસંદગી જાપાન માટે માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક દૃષ્ટિએ પણ ઐતિહાસિક ક્ષણ ગણાય છે.
જાપાનની સંસદે સના તાકાઈચીને નવા વડા પ્રધાન તરીકે પસંદ કર્યા છે. અગાઉ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) એ તેમને પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટ્યા હતા. આ રીતે સના માત્ર LDPના પ્રથમ મહિલા નેતા નહીં પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછીના એવા થોડાક નેતાઓમાં સામેલ થયા છે. જેમણે કોઈ રાજકીય પરિવારની પૃષ્ઠભૂમિ વિના આટલું ઊંચું સ્થાન મેળવ્યું છે.
વિદેશ નીતિ અને ક્વાડ પ્રત્યે સમર્થન
સના તાકાઈચી ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેના “મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક” દ્રષ્ટિકોણને આગળ ધપાવશે. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને ક્વોડ (QUAD) દેશો ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન વચ્ચે મજબૂત સહયોગના સમર્થક છે.
ચીન અને ઉત્તર કોરિયા સામે તેમનું કડક વલણ જાણીતું છે. તેમણે સંરક્ષણ ખર્ચમાં વધારો કરવાની પણ જાહેરાત કરી છે. જે હાલ GDPના 1.8% જેટલો છે.
શિગેરુ ઇશિબાનું સ્થાન લીધું
તાકાઈચીએ પૂર્વ વડા પ્રધાન શિગેરુ ઇશિબાનું સ્થાન લીધું છે. જેમણે તાજેતરમાં રાજીનામું આપ્યું હતું. ગયા જુલાઈમાં LDPને ચૂંટણીમાં ભારે હાર બાદ પક્ષમાં નેતૃત્વ સંકટ ઊભું થયું હતું. જેને હવે તાકાઈચીએ સમાપ્ત કર્યું છે.
તાકાઈચીની તેમની રાજકીય યાત્રા
64 વર્ષીય સના તાકાઈચી અગાઉ “હેવી મેટલ ડ્રમર” અને “બાઇકર” રહી ચૂકી છે. 1993માં તેમણે નારા પ્રાંતમાંથી પ્રથમ વખત ચૂંટણી જીતી અને ત્યારથી આંતરિક બાબતો, આર્થિક સુરક્ષા અને લિંગ સમાનતા જેવા મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા છે. તેઓ માર્ગારેટ થેચરને પોતાનો રાજકીય પ્રેરણાસ્રોત માને છે અને શિન્ઝો આબેના રૂઢિચુસ્ત વિચારોને સમર્થન આપે છે.
ચીન સાથે તણાવ શક્ય
તાકાઈચી નિયમિત રીતે યાસુકુની મંદિરની મુલાકાત લે છે. જેના કારણે ચીન નારાજગી વ્યક્ત કરે છે. વિશ્લેષકો માને છે કે તેમની કડક નીતિઓના કારણે જાપાન અને ચીન વચ્ચે તણાવ વધી શકે છે.
સના તાકાઈચીની પસંદગી જાપાન માટે ઐતિહાસિક છે. એક એવા દેશમાં જ્યાં મહિલા નેતૃત્વ દુર્લભ છે. ત્યાં તેમની સિદ્ધિ નવી દિશા દર્શાવે છે.