દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે દિલ્હીનું આકાશ ધુમ્મસ અને ધૂળના ઘેરા પડદાથી ઢંકાઈ ગયું છે. ફટાકડાં, ધૂળ અને ધુમાડાના કારણે હવા એટલી ઝેરી બની ગઈ છે કે રાજધાની “ગેસ ચેમ્બર”માં ફેરવાઈ ગઈ છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા મુજબ દિલ્હીનો કુલ AQI 531 સુધી પહોંચી ગયો છે. જે “ગંભીર” શ્રેણીમાં આવે છે.
દિલ્હીમાં દિવાળી બાદ હવામાં ઝેર ફેલાઈ ગયું છે. સોમવારે તા. 20 ઓક્ટોબર કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દિલ્હીના 38 મોનિટરિંગ સ્ટેશનમાંથી 34 “રેડ ઝોન”માં નોંધાયા છે. એટલે કે મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ બની ગઈ છે.
દિલ્હીનો કુલ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 531 સુધી પહોંચી ગયો છે. જે ગંભીર સ્થિતિ દર્શાવે છે. કેટલાક વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. નરેલામાં AQI 551 નોંધાયો. જે સૌથી વધુ છે. અશોક વિહારમાં AQI 493 અને આનંદ વિહારમાં 394 સુધી પહોંચ્યો છે.
દિલ્હી સાથે NCRના વિસ્તારોમાં પણ હવાની સ્થિતિ ચિંતાજનક છે.
- નોઇડા: AQI 369 (ખૂબ જ ખરાબ શ્રેણી)
- ગાઝિયાબાદ: AQI 402 (ખૂબ જ ખરાબ શ્રેણી)
તેની તુલનામાં ચંદીગઢમાં AQI માત્ર 158 રહ્યો. જે NCR વિસ્તારમાં વધતા પ્રદૂષણનું સ્પષ્ટ દર્પણ છે.
સ્વાસ્થ્ય પર ગંભીર અસર
AQI 400થી ઉપર જતા હવામાં રહેલા ઝેરી તત્ત્વો સ્વસ્થ લોકોને પણ અસર કરે છે. આંખોમાં બળતરાં, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ વધી રહી છે. ડોક્ટરોએ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. બહાર નીકળવું જરૂરી હોય તો N-95 માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે.
હવામાનની સ્થિતિ પણ અનુકૂળ નથી
દિલ્હી-NCRમાં હાલ પવનની ગતિ ધીમી છે. જેના કારણે પ્રદૂષણના કણો હવામાં જ ફસાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવનની ગતિ ફક્ત 5–8 કિમી પ્રતિ કલાક છે અને તે પણ દક્ષિણ-પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહી છે.
તાપમાનની દ્રષ્ટિએ દિલ્હીનું મહત્તમ તાપમાન 31 થી 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી સેલ્સિયસ છે. તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે હોવાને કારણે પણ સ્મોગના વિસર્જનમાં મુશ્કેલી થઈ રહી છે.
દિવાળીના ઉત્સવ પછી દિલ્હીમાં ફરી એકવાર હવાનું સંકટ ઉભું થયું છે. ધીમા પવન અને વધતા ફટાકડાંના ધુમાડાને કારણે હાલના દિવસોમાં પ્રદૂષણમાંથી રાહત મળવાની કોઈ આશા નથી. પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે તાત્કાલિક નિયંત્રણના પગલાં ન લેવાય તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.