વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં દિવાળીની ઉલ્લાસભેર ઉજવણી: સોમવારે ચોપડા પૂજન બાદ આતશબાજીનો નજારો: બુધવારથી વિક્રમ સંવત 2082નો પ્રારંભ
વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં સોમવારે દિવાળી પર્વની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ઘેર ઘેર રંગોળીઓ પૂરી અને દીવડા પ્રગટાવી પ્રકાશના આ પર્વને વધાવવામાં આવ્યો હતો. જ્યોતિષીઓના મતે સોમવાર બપોરના 3.43થી અમાસ શરૂ થતાં, સોમવારે સાંજે ચોપડાપૂજન, લક્ષ્મીપૂજન અને શારદાપૂજન માટેના શુભમુહૂર્તો હતા. પ્રદોષકાળમાં આ પૂજન કરવું શ્રેષ્ઠ મનાતું હોવાથી વેપારી પેઢીઓ અને ધર્મસ્થાનકોમાં પૂજનના કાર્યક્રમો યોજાયા હતા.
દિવાળીના તહેવારમાં ચોપડા પૂજનનું અનન્ય મહત્વ હોય છે. વેપારી પેઢીઓમાં વ્યક્તિગત રીતે અને સ્વામિનારાયણ મંદિર, પુષ્ટિમાર્ગીય હવેલીઓ સહિતના ધર્મસ્થાનકોમાં સામુહિક ચોપડા પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. પૂજનવિધિ પૂર્ણ થયા બાદ લોકોએ ફાફડા-જલેબી મંગાવી મોં મીઠું કર્યું હતું અને ત્યારબાદ આતશબાજીનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો. મંગળવારે પડતર દિવસ છે, જે આરામ અને આગામી નવા વર્ષના સ્વાગતની તૈયારીનો દિવસ ગણાશે. ત્યારબાદ, બુધવારે નૂતન વર્ષ ઉજવાશે. આ દિવસ વિક્રમ સંવત 2082નો પ્રથમ દિવસ અર્થાત બેસતું વર્ષ છે, જેની ઉજવણી શહેરભરમાં ઉલ્લાસપૂર્વક થશે. નૂતન વર્ષના બીજા દિવસે, ગુરૂવારે ભાઈબીજનો પવિત્ર તહેવાર ઉજવાશે.
જ્યારે, તા. ૨6મીના રવિવારે લાભપાંચમ ઉજવાશે. આ દિવસે વેપારીઓ પોતાના ધંધા-રોજગારનો શુભારંભ કરશે. આ જ દિવસે જૈનો જ્ઞાનપંચમી ઉજવશે, જેમાં જૈનો શ્રુત-પુસ્તકોની પૂજા કરશે. આ સાથે જ દિવાળી પર્વનું સમાપન થશે.
કાળી ચૌદશ અને
તિથિના અપવાદોના કારણે આ વર્ષે બે દિવસ ધનતેરસ ઉજવાઈ હતી. જ્યારે, રવિવારે કાળી ચૌદશના પર્વે મંત્ર અને તંત્રની સાધના કરવામાં આવી હતી. હનુમાનજી, શનિદેવ, કાળભૈરવ અને મહાકાળી માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત, કુળદેવી માતાજી અને કુળ દેવતાને નૈવેદ્ય ધરાવવામાં આવ્યો હતો. દિપોત્સવીના પ્રસંગે ધર્મસ્થાનકોમાં મંગળા આરતી કરવાનો અનન્ય મહિમા હોવાથી શહેરના સ્વામિનારાયણ મંદિરો અને પુષ્ટિમાર્ગીય હવેલીઓ સહિતના ધર્મસ્થાનકોમાં મંગળા આરતીનો ઘંટારવ ગુંજી ઉઠ્યો હતો.
– શહેરમાં ઉમટશે ભીડ:
દિવાળીની રાત્રે મોડી સાંજથી શહેરના સુરસાગર, લહેરીપુરા રોડ, અલકાપુરી, કારેલીબાગ સહિતના સ્થળોને સાંકળતા હોટેલ તેમજ રેસ્ટોરન્ટ અને વિવિધ વાનગીઓ ખાવા માટે શહેરીજનો પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે હોંશે હોંશે ઉમટી પડશે.