Business

દિવાળી પર શેરબજાર ચમક્યું, સેન્સેક્સ અને નિફ્ટી સારા વધારા સાથે ખુલ્યા

દિવાળીના શુભ અવસર પર આજ રોજ તા. 20 ઓક્ટોબર સોમવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે શરૂ થયું. રોકાણકારોના ઉત્સાહ અને સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે બજારમાં તેજી જોવા મળી. આજે ટ્રેડિંગની શરૂઆતમાં BSE સેન્સેક્સ 317.11 પોઈન્ટ એટલે કે 0.38 ટકા વધીને 84,269.30 પોઈન્ટ પર ખુલ્યો. NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 114.75 પોઈન્ટ (0.45%) ના વધારા સાથે 25,824.60 પોઈન્ટ પર ખુલ્યો.

આજે દિવાળી હોવા છતાં શેરબજાર સામાન્ય દિવસની જેમ ખુલ્યું છે. જોકે મંગળવારે તા. 21 ઓક્ટોબરના રોજ માત્ર એક કલાકનું મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજાશે અને બુધવારે બજાર બંધ રહેશે.

બહુમતી શેરોમાં તેજી
સેન્સેક્સની 30માંથી 26 કંપનીઓના શેર લીલા નિશાનમાં ટ્રેડિંગ શરૂ થયું. જ્યારે માત્ર 4 કંપનીઓના શેર લાલ નિશાનમાં રહ્યા. તેવી જ રીતે નિફ્ટી 50ની 50માંથી 46 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા. આથી શેર બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં સૌથી વધુ 2.45 ટકા વધારો નોંધાયો. જ્યારે ICICI બેંકના શેરોમાં 2.51 ટકાનો ઘટાડો નોંધાયો. કોટક મહિન્દ્રા બેંકે 2.23 ટકા અને એક્સિસ બેંકે 2.15 ટકાનો મજબૂત ઉછાળો નોંધાવ્યો. બજાજ ફાઇનાન્સ, ટાઇટન, ઇન્ફોસિસ, ભારતી એરટેલ અને HDFC બેંક જેવા શેરોમાં પણ સકારાત્મક વૃદ્ધિ જોવા મળી.

બેંકિંગ અને IT સેક્ટર સૌથી મજબૂત
બેંકિંગ, IT અને મેટલ સેક્ટરમાં ખાસ કરીને તેજી જોવા મળી. કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, SBI અને HDFC બેંકના શેરોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો. ટેક સેક્ટરમાં ઇન્ફોસિસ અને HCL ટેકના શેરોએ પણ સારું પ્રદર્શન કર્યું.

અન્ય મોટાં ગેઇનર્સમાં L&T, સન ફાર્મા, અદાણી પોર્ટ્સ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, ITC, BEL અને NTPC જેવા શેરોનો સમાવેશ થાય છે. આ શેરોમાં 0.5% થી 1.3% સુધીનો ઉછાળો જોવા મળ્યો.

થોડી કંપનીઓમાં ઘટાડો
સેન્સેક્સની કેટલીક કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો. ટાટા સ્ટીલના શેરોમાં 0.38 ટકાનો ઘટાડો થયો. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટના શેર 0.24 ટકા અને ટેક મહિન્દ્રાના શેર 0.09 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.

દિવાળીના દિવસે શેરબજારમાં દેખાતી તેજી રોકાણકારોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે તહેવારોની સિઝન બાદ બજાર આગામી સપ્તાહોમાં વધુ મજબૂત દિશામાં જઈ શકે છે.

Most Popular

To Top