ભક્તોએ ભૂત પ્રેતથી મુક્તિ અને રક્ષા માટે દીવા પ્રગટાવવાની પરંપરા નિભાવી :
ખોપડીને સિગારેટ અને દારૂનો ભોગ ચડાવવાની અંધશ્રદ્ધા :
( પ્રતિનિધી )વડોદરા,તા.20
કાળી ચૌદસ જેને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે હનુમાનજી કાળકા માતા કાલભૈરવ તથા મેલડી માતાની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. કાળી ચૌદશની રાત્રીએ ઘરમાંથી કકળાટ એટલે કે નકારાત્મક ઉર્જા અને દુષ્ટ શક્તિઓ દૂર કરવા માટે વિશેષ વિધિ કરવામાં આવે છે. આ રાત્રે શહેરના બહુચરાજી સ્મશાન ખાતે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભૂત પ્રેતથી મુક્તિ અને રક્ષા માટે દીવા પ્રગટાવવાની પરંપરા નિભાવી હતી. અંધારી રાતે સ્મશાનમાં મંત્રોચ્ચાર સાથે પૂજા દીવા અને અર્ચન વિધિ કરવામાં આવી હતી.

આમ તો કાળી ચૌદશે સ્મશાનનું નામ સાંભળતા જ આમ લોકોને મનમાં અને દિલમાં ફફડાટ વ્યાપી જાય છે કે, કાળી ચૌદશ અને એ પણ રાત્રે સ્મશાનની વાત એટલે માન્યામાં કે સ્વીકારવામાં ના આવે તેવી વાત છે, પણ આમ છતાં પણ વડોદરાના કેટલાક સ્મશાન એ એક ભક્તિનું સ્થળ બની ગયું છે. કાળી ચૌદશની રાતે અંધકારમાં સ્મશાનમાં હરખભેર લોકો આવે છે અને સ્મશાનને ઝાકમઝોળ કરીને આરતી કરી ભક્તિભાવ પ્રાગટ્ય કરે છે.

કેટલાક લોકો હવે આ વાતનો જાણે કે મનમાં ડરનો નહીં પણ ભક્તિનો પર્યાય બની ગયો છે. છેલ્લા ઘણા વર્ષથી વડોદરાના એક સ્મશાનમાં આરતીનું આયોજન કરવામાં આવે છે. શહેરના આ સ્મશાનમાં લોકો ઉમટ્યા હતા. વિશેષ પૂજા કરવામાં આવી હતી. સાથે ખોપડીને સિગારેટ અને દારૂ ચડાવવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જોકે, અહીં મેલી વિદ્યાની વાતને નકારી કાઢવામાં આવી હતી.

નોંધનીય છે કે, દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદશનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને નરક ચતુર્દશી પણ કહેવાય છે. હિન્દુ પંચાંગ મુજબ આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે હનુમાનજી સાથે યમપૂજા, શ્રીકૃષ્ણ પૂજા, કાળી માતાની પૂજા, શિવ પૂજા અને ભગવાન વામનની પૂજા કરવાનું વિધાન છે. આ દિવસે 6 દેવતાની પૂજા કરવાથી બધા જ પ્રકારના કષ્ટ દૂર થાય છે.

ઘણાં પરિવારોમાં કાળી ચૌદશની રાત્રીએ કૂળદેવીનાં ખંડ ભરવામાં આવે છે. મહારાજ દિલીપભાઈએ જણાવ્યું હતું કે, વર્ષો જૂનું અમારું મંદિર છે. અહીંયા લોકો શ્રદ્ધાથી આવે છે. અમારે ત્યાં કોઈ મેલી વિદ્યા કરવામાં આવતી નથી. ભક્તો દર્શન કરવા માટે આવે છે. અને જેની મનોકામના પૂર્ણ થાય છે. તેવા ભક્તો રવિવારે, મંગળવારે અને ખાસ કરીને કાળી ચૌદશના દિવસે આવતા હોય છે. કાળી ચૌદશના દીને જે જેવી રીતે સાધના કરે છે. એ આજના દિવસે કરવાથી તેની સાધના ફળે છે.
