પોલીસની નિષ્ક્રિયતા સામે એડવોકેટ હિતેષ ગુપ્તા અને વડોદરા નવનિર્માણ સંઘનો આક્રોશ
હરણી તળાવ ભ્રષ્ટાચાર કેસમાં મ્યુનિસિપલ કમિશનરે તપાસનું આશ્વાસન આપ્યું
વડોદરાના હરણી તળાવમાં વર્ષ 2015, 2016 અને 2017 દરમિયાન ભ્રષ્ટાચાર થયાની ગંભીર ફરિયાદ નવાપુરા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જો કે, આ ફરિયાદ પર કોઈ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી નથી. એડવોકેટ હિતેષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, નવાપુરા પોલીસ મથકે પુરાવા સાથે આપવામાં આવેલી આ ફરિયાદ વડોદરા મહાનગરપાલિકાને ટ્રાન્સફર કરી દીધી છે. તેમણે કહ્યું કે, આ પ્રકારનો કોગ્નિજેબલ ગુનો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને ફરિયાદીને નિવેદન નોંધવા માટે પણ બોલાવવામાં આવ્યા નહોતા. હિતેષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ફરિયાદ સીધા કોર્પોરેશનને મોકલી દેવાનો અર્થ એ છે કે, પોલીસ પોતાની ફરજ પરથી પલાયન કરી રહી છે. પોલીસને ફોજદારી ગુનાની તપાસ કરવાની ફરજ છે, પરંતુ અહીં કોર્પોરેશનને તપાસ માટે મોકલવામાં આવી છે, જે કાયદાકીય રીતે યોગ્ય નથી. આ મુદ્દે આજે એડવોકેટ હિતેષ ગુપ્તા તથા નવનિર્માણ સંઘના આગેવાનો વડોદરા મ્યુનિસિપલ કમિશનરને મળ્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે, ફરિયાદમાં ઉલ્લેખિત પુરાવા તપાસ માટે પૂરતા છે અને જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે.
રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનરે મામલાની વિગત જાણી અને યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી. રજૂઆતમાં જણાવાયેલા મુદ્દાઓને તપાસી જો જરૂરી જણાશે તો સંબંધિત વિભાગ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું. એડવોકેટ હિતેષ ગુપ્તા અને નવનિર્માણ સંઘના આગેવાનોએ જણાવ્યું કે, જો આગામી દિવસોમાં પણ કાર્યવાહી નહીં થાય તો તેઓ ઉચ્ચ સ્તરે ફરિયાદ કરશે અને આ મામલે કાયદાકીય લડત લડશે.