બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને આમિર ખાનની ફિલ્મ “દંગલ” (2016)માં ગીતા ફોગાટનો રોલ કરનાર ઝાયરા વસીમે અચાનક લગ્ન કરી લીધા છે. ગત રોજ તા. 17 ઓક્ટોબર શુક્રવારે તેણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નના ફોટા શેર કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
દંગલ ફેમ અભિનેત્રી ઝાયરા વસીમ જેણે માત્ર 18 વર્ષની ઉંમરે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હતો. જે હવે લગ્નબંધનમાં બંધાઈ ગઈ છે. શુક્રવારે ઝાયરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના બે ફોટા શેર કર્યા હતા. જેમાંથી એકમાં તે નિકાહનામા (લગ્ન પ્રમાણપત્ર) પર સહી કરતી દેખાઈ રહી છે. જ્યારે બીજી તસવીરમાં તે પોતાના પતિ સાથે ચાંદ તરફ જોતી નજરે પડે છે.
સોશિયલ મીડિયા પર લખ્યું; “કુબુલ હૈ.”
ઝાયરા વસીમે પોતાના પતિનું નામ જાહેર નથી કર્યું અને સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટામાં પણ બંનેએ ચહેરો પણ દેખાડ્યો નથી. જોકે તેણીએ આ ફોટો સાથે એક સંક્ષિપ્ત પરંતુ ભાવનાત્મક કેપ્શન પણ લખ્યું કે “કુબુલ હૈ.”

ઝાયરાના આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓનો વરસાદ થઈ ગયો છે. ચાહકો અને સહકલાકારોએ ઝાયરાને નવા જીવન પ્રારંભ માટે શુભકામનાઓ પાઠવી છે.
2019થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કહ્યું હતું અલવિદા
ઝાયરાએ વર્ષ 2019માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હતો. તેણીએ કહ્યું હતું કે ફિલ્મ જગતની ચમક-ધમક અને ખ્યાતિ તેના ધર્મ અને જીવનના મૂલ્યો સાથે સુસંગત નથી.
તે સમયે ઝાયરાએ પોતાની એક પોસ્ટમાં લખ્યું હતું કે “પાંચ વર્ષ પહેલા મેં એક એવો નિર્ણય લીધો હતો જેણે મારું જીવન બદલાવી નાખ્યું. બોલિવૂડમાં પગ મુકતા જ લોકપ્રિયતા અને વખાણ મળ્યા પરંતુ મને સમજાયું કે આ એ નથી જે હું ઈચ્છતી હતી. સફળતા અને પ્રસિદ્ધિ મારી માટે અંતિમ લક્ષ્ય નહોતું.”
ઝાયરાએ આમિર ખાનની ફિલ્મ “દંગલ” (2016)માં ગીતા ફોગાટની યુવા ભૂમિકા ભજવીને ખ્યાતિ મેળવી હતી. આ ફિલ્મ માટે તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ તેણે આમિર ખાન સાથે “સિક્રેટ સુપરસ્ટાર” (2017)માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની છેલ્લી ફિલ્મ “ધ સ્કાય ઇઝ પિંક” (2019) હતી. જેમાં તે પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર સાથે જોવા મળી હતી.
ઝાયરાના લગ્નની ખબર પછી ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. અને સૌ હવે તેની નવી જીવનયાત્રા માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.