ગ્રેટર નોઈડા નજીક યમુના એક્સપ્રેસવે પર ગત રોજ તા. 16 ઓક્ટોબર ગુરુવારે રાત્રે એક ચાલતી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બસમાં આશરે 50 મુસાફરો હતા. જેમણે સમયસર બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ લુધિયાણાથી આગ્રા જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ ગ્રેટર નોઈડા મારફતે યમુના એક્સપ્રેસવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે દનકૌર કોતવાલી વિસ્તાર નજીક બસની છત પર રાખેલા સામાનમાં અચાનક આગ લાગી ગઈ હતી. બસમાં બેઠેલા મુસાફરોને ધુમાડો દેખાતા જ ગભરાટ ફેલાઈ ગયો.
ડ્રાઈવરે તાત્કાલિક સમજદારી દાખવી અને બસને એક્સપ્રેસવેની સાઇડમાં રોકી દીધી. ત્યારબાદ મુસાફરોએ દોડાદોડી કરી અને સમયસર બસમાંથી બહાર નીકળી ગયા હતા. કેટલાક મુસાફરોના જણાવ્યા મુજબ બસની છત પર રાખેલા ફટાકડાના કારણે આગ લાગી હોવાનું મનાય છે.
પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ થતાં જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગમાં બસની છત પર રાખેલો સામાન સંપૂર્ણ રીતે બળી ગયો હતો. પરંતુ મુસાફરો અને ડ્રાઈવર સુરક્ષિત રહ્યા હતા.
દનકૌર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મુનેન્દ્ર સિંહે જણાવ્યું કે “સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ નથી પરંતુ પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે બસની છત પર રાખેલા સામાન કે ફટાકડાથી આગ લાગી હોઈ શકે છે.”
આ ઘટનાથી એક્સપ્રેસવે પર થોડા સમય માટે ટ્રાફિક ધીમું થઈ ગયું હતું. પરંતુ બાદમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. મુસાફરોને બીજી બસમાં આગ્રા મોકલવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.