બિલ્ડર મનોજ અગ્રવાલ તથા આર્કિટેક હિતેશ ચોકસીએ માફી માગી :
જિનાલય ટ્રસ્ટી મંડળ તથા બિલ્ડર વચ્ચે એમઓયુ પણ કરવામાં આવશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.16
શહેરની મધ્યમાં માંડવી પાસે મહેતા પોળની બાજુમાં નેમીનાથ ભગવાનના જૈન દેરાસરની પ્રતિષ્ઠા વડોદરાના પનોતા પુત્ર એવા દિગ્ગજ આચાર્ય વલ્લભસૂરી મહારાજે કરી હતી. આ દેરાસરની બાજુમાં બાંધકામ મનોજ અગ્રવાલ નામના બિલ્ડરે જેસીબીથી તોડતા જિનાલયની દીવાલ પણ તોડી પાડી હતી તથા પેરાફીટ દિવાલ તોડી નાખી હતી. જેના કારણે જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જિનાલયને નુકસાન પહોંચતા જૈન સમાજ આક્રમક બનતા જોઈ બિલ્ડર મનોજ અગ્રવાલ તથા આર્કિટેક હિતેશ ચોકસી દોડી આવ્યા હતા અને જૈન અગ્રણીઓ નરેશભાઈ પારેખ, વકીલ નિરજ જૈન, યુનિવર્સિટીના પુર્વ સેનેટ સભ્ય દીપક શાહ, જૈન કોર્પોરેટર રાખીબેન શાહ, રાજાભાઈ જૈન, વકીલ રોહિત ભાવસાર અનિલ શાહ,અમિત સાલેચા સહિતના જૈન અગ્રણીઓ સાથે વાટાઘાટો કરી હતી. અને તુરત રિસ્ટોરેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જિનાલય ટ્રસ્ટી મંડળ તથા બિલ્ડર વચ્ચે એમઓયુ પણ કરવામાં આવશે. અને આવતા અઠવાડિયે સમીક્ષા બેઠક કરવાનું પણ નક્કી કરાયું છે એમ નેમિનાથ જીનાલયના ટ્રસ્ટી નરેશભાઈ પારેખે જણાવ્યું હતું.