અમેરિકા દ્વારા ભારત પર વધારેલા ટેરિફને લઈને ઉભી થયેલી ચિંતાઓ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કહ્યું છે કે ભારત માટે આ મોટી ચિંતા નથી. તેમણે વોશિંગ્ટનમાં યોજાયેલી આઈએમએફ અને વર્લ્ડ બેંકની બેઠક દરમિયાન જણાવ્યું કે ભારતનું અર્થતંત્ર સ્થિર અને મજબૂત છે. અને ટ્રમ્પ ટેરિફનો અસરકારક પ્રભાવ થવાનો નથી.
ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકાએ ગયા ઓગસ્ટમાં ભારત પર ટેરિફ વધારીને 50 ટકા કર્યો હતો. આ નિર્ણય બાદ અનેક અર્થશાસ્ત્રીઓએ ભારત પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આ ચિંતાઓને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે ભારત એક મોટું લોકલ ઇકોનોમી છે અને ટેરિફ જેવી નીતિઓ તેના પર ગંભીર અસર કરતી નથી.
મલ્હોત્રાએ જણાવ્યું કે ભારતનું આર્થિક માળખું ખૂબ મજબૂત છે અને દેશની આંતરિક માંગ તથા નીતિગત સ્થિરતા ભારતને વૈશ્વિક વેપાર દબાણમાંથી બચાવશે. તેમણે કહ્યું “ટેરિફ ભારત માટે કોઈ મોટો જોખમ નથી. આપણું અર્થતંત્ર મોટા ભાગે સ્થાનિક માંગ પર આધારિત છે. તેથી આ પ્રકારની નીતિઓનો મોટો પ્રભાવ પડતો નથી.”
આઈએમએફ અને વર્લ્ડ બેંકની બેઠકમાં ગવર્નરે કહ્યું કે ભારતની મેક્રોઇકોનોમિક સ્થિતિ સ્થિર છે. વૈશ્વિક સ્તરે થતી ઉથલપાથલ વચ્ચે પણ ભારત મજબૂત રીતે ઉભું છે. તેમણે આશા વ્યક્ત કરી કે જો ભારત અને અમેરિકા વચ્ચે વહેલા વેપાર સોદા પર સમજૂતી થશે. તો દેશને વધારાનો ફાયદો મળશે.
રૂપિયાની સ્થિતિ વિશે બોલતા મલ્હોત્રાએ જણાવ્યું કે આરબીઆઈ કોઈ ચોક્કસ વિનિમય દરને લક્ષ્ય નથી રાખતી. “અમારું ધ્યેય એ છે કે રૂપિયાની ગતિશીલતા વ્યવસ્થિત રહે અને અતિશય અસ્થિરતા ન આવે. બજારજ નક્કી કરે કે યોગ્ય ભાવ સ્તર શું છે”
ફુગાવો અને વ્યાજદર અંગે પણ ગવર્નરે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે ફુગાવામાં ધીમો ઘટાડો આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે નીતિગત અવકાશ પૂરું પાડે છે. જોકે હાલ રેપો રેટમાં ઘટાડો કરવાનો યોગ્ય સમય નથી.
અંતમાં મલ્હોત્રાએ કહ્યું કે ભારત વૈશ્વિક વેપાર પરિવર્તનો વચ્ચે સ્થિર રહી શકે છે અને ટ્રમ્પ ટેરિફ જેવી નીતિઓ ભારતના અર્થતંત્રને ડગમગાવશે નહીં. કારણ કે ભારતના આર્થિક મૂળભૂત તત્વો અત્યંત મજબૂત છે.