NEWSFLASH

જેસલમેર પછી બાડમેરમાં ભયાનક અકસ્માત: ટ્રેલર સાથે અથડાતાં સ્કોર્પિયોમાં સવાર ચાર લોકો બળીને ખાખ

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોનું મોત થયું છે. બાલોત્રા નજીક ટ્રેલર અને સ્કોર્પિયો વચ્ચે સામસામે અથડામણ થતાં કારમાં આગ લાગી ગઈ હતી. ઘટનામાં ચાર લોકો બળીને ખાખ થઈ ગયા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને જોધપુર રિફર કરવામાં આવ્યો છે. આ ઘટના ગત રોજ તા.15 ઓક્ટોબરની મોડી રાત્રે બની હતી.

અહેવાલો અનુસાર ગુડામલાની તાલુકાના ડાભર ગામના પાંચ યુવાનો સ્કોર્પિયોમાં સવાર થઈ સિંધરી ગયા હતા. રાત્રે હોટલમાં ભોજન કર્યા બાદ તેઓ પાછા પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા. બાલોત્રા-સિંધરી મેગા હાઇવે પર પહોંચતા જ તેમની સ્કોર્પિયો એક ઝડપથી આવતા ટ્રેલર સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ. ટક્કર એટલી ભયાનક હતી કે સ્કોર્પિયોમાં તાત્કાલિક આગ લાગી ગઈ.

આગની તીવ્રતા એટલી વધુ હતી કે કારના દરવાજા જામ થઈ ગયા. જેના કારણે ચારેય યુવાનો અંદર ફસાઈ ગયા અને જીવતા બળીને ખાખ થઈ ગયા. એક યુવકને ટ્રેલર ચાલકે બહાદુરીપૂર્વક જીવના જોખમે બહાર કાઢ્યો. જેને ગંભીર ઈજા થતાં સિંધરીના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયો અને ત્યારબાદ જોધપુર રિફર કરાયો.

પ્રશાસન ઘટના સ્થળે દોડી આવ્યું
ઘટનાની જાણ થતાં જ બાડમેર જિલ્લાના કલેક્ટર સુશીલ કુમાર યાદવ, પોલીસ અધિક્ષક રમેશ, અધિક જિલ્લા કલેક્ટર ભુવનેશ્વર સિંહ ચૌહાણ, એસ.ડી.ઓ. સમંદર સિંહ ભાટી અને મુખ્ય તબીબી અધિકારી સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ બુઝાવવાની કામગીરી બાદ સ્કોર્પિયોમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા.

ઓળખ માટે ડીએનએ તપાસ જરૂરી
અગ્નિ એટલી તીવ્ર હતી કે મૃતદેહો સંપૂર્ણપણે દાઝી ગયા હતા. જેના કારણે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી. વહીવટી અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોની ઓળખ હવે ડીએનએ પરીક્ષણ દ્વારા જ શક્ય બનશે.

આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ગામવાસીઓએ જણાવ્યું કે મૃત યુવાનો ખૂબ જ સારા સ્વભાવના અને પરિશ્રમી હતા. અકસ્માત બાદ મેગા હાઇવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ રસ્તાઓ પર સલામતીની વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને.

Most Popular

To Top