બંધ પડેલા પ્રોજેક્ટ્સને પુનઃજીવિત કરાશે: PPP મોડલ અને ડ્રો સિસ્ટમથી પારદર્શક રીતે થશે ફાળવણી
3 મહિનામાં 3,500થી વધુ આવાસ તૈયાર કરાશે: VMCએ ઝડપી કામગીરી માટે ₹80 કરોડનો ખર્ચ ફાળવ્યો
વડોદરા : તહેવારોની મોસમમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મોટી ખુશખબરી આપવામાં આવી છે. કોર્પોરેશનની વિવિધ આવાસ યોજનાઓ હેઠળ, આગામી ત્રણ મહિનામાં આશરે સાડા ત્રણ હજારથી વધુ તૈયાર થનાર ઘરોની ડ્રો સિસ્ટમ દ્વારા ફાળવણી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં, આશરે દસ હજાર જેટલા લોકોનું ‘પોતાનું ઘર’ નું સપનું સાકાર થશે.
VMC દ્વારા આવાસ યોજનાઓ ઝડપથી પૂરી કરવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ જે પ્રોજેક્ટ્સ કોઈ કારણોસર બંધ પડ્યા હતા, તેને ફરી શરૂ કરવા માટે કોર્પોરેશન દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સને પુનઃજીવિત કરવા માટે અંદાજે ₹70 થી ₹80 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ આવાસ યોજનાઓને ઝડપથી પૂર્ણ કરવા માટે વિવિધ મોડલનો ઉપયોગ કરશે. કમિશનરના જણાવ્યા મુજબ, બાકી રહેલા કામોને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ, VMCના સીધા દેખરેખ હેઠળ અથવા કોન્ટ્રાક્ટર થકી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ વ્યૂહરચના દ્વારા, નિર્ધારિત ત્રણ મહિનાના ગાળામાં ઘરો તૈયાર કરી દેવામાં આવશે.
એકવાર આવાસ તૈયાર થઈ ગયા બાદ, તેની ફાળવણી પારદર્શક રીતે કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્પષ્ટ કર્યું હતું કે, તૈયાર થયેલા આ ઘરોને ડ્રો સિસ્ટમ દ્વારા યોગ્ય અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને વહેંચવામાં આવશે. દિવાળી પહેલાં આ મોટી જાહેરાત થકી, વડોદરાના હજારો પરિવારો માટે તહેવારની ખુશી બેવડાઈ જશે.