પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પર ફરી એકવાર તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ છે. બંને દેશોના સુરક્ષા દળો વચ્ચે મંગળવારે રાત્રે ભીષણ અથડામણ થઈ હતી. જેના કારણે અફઘાનિસ્તાનની અનેક લશ્કરી ચોકીઓ અને ટેન્કો નાશ પામી ગયા છે. આ ઘટનાથી પહેલેથી જ ચાલતા તણાવગ્રસ્ત સંબંધોમાં વધુ ઉગ્રતા જોવા મળી છે.
મળતી માહિતી મુજબ અથડામણ ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં થઈ હતી. પાકિસ્તાની સેનાએ અફઘાન દળોની ગોળીબારીનો તિવ્ર પ્રતિસાદ આપ્યો હતો. સ્થાનિક અહેવાલો મુજબ આ અથડામણમાં અફઘાન તાલિબાન દળોને મોટું નુકસાન થયું છે અને તેમની અનેક ચોકીઓ ધ્વસ્ત થઈ ગઈ છે.
અથડામણનો સમય અને સ્વરૂપ
પાકિસ્તાની સરકારના અધિકારી ચેનલના ન્યૂઝ મુજબ ગત રોજ મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે અથડામણ શરૂ થઈ હતી. અફઘાન તાલિબાન અને “ફિત્ના અલ-ખ્વારીજ” નામના આતંકવાદી જૂથએ બિનઉશ્કેરાયેલા હુમલા કર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ પૂર્ણ શક્તિ અને તીવ્રતા સાથે જવાબી કાર્યવાહી કરી હતી. અથડામણ દરમિયાન હળવા તેમજ ભારે બંને પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ થયો હતો.
ફિત્ના અલ-ખ્વારીજ કમાન્ડર માર્યો ગયો
અહેવાલ પ્રમાણે પાકિસ્તાની હુમલામાં ફિત્ના અલ-ખ્વારીજના મુખ્ય કમાન્ડરનું મોત થયું છે. આ હુમલામાં બીજી અફઘાન તાલિબાન ચોકી અને ટેન્ક પોઝિશન સંપૂર્ણપણે નાશ પામી ગયા. જ્યારે શમસદર ચોકી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની અધિકારીઓ મુજબ આ કાર્યવાહી આત્મરક્ષા રૂપે હાથ ધરવામાં આવી હતી.
તાલિબાન લડવૈયાઓ ભાગી ગયા
સૂત્રોના જણાવ્યા મુજબ અથડામણ બાદ ઘણા અફઘાન તાલિબાન લડવૈયાઓ પોતાનાં ઠેકાણા છોડીને ભાગી ગયા હતા. અગાઉ પણ અફઘાનિસ્તાને પાકિસ્તાનના અનેક સરહદી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. જેમાં પાકિસ્તાનને નુકસાન થયું હતું. આ નવી અથડામણને કારણે પ્રદેશમાં ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે.
તણાવ વધવાની શક્યતા
સુરક્ષા નિષ્ણાતો માને છે કે આ તાજેતરની અથડામણ બંને દેશો વચ્ચેના તણાવને વધુ ઉગ્ર બનાવી શકે છે. સરહદી વિસ્તારમાં વસતા નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. હાલ પાકિસ્તાની સેનાએ સમગ્ર વિસ્તારમાં ઉચ્ચ ચેતવણી જાહેર કરી છે અને સ્થિતિ પર કાળજીપૂર્વક નજર રાખી રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પર શાંતિ હજી દૂરની વાત છે.