સંસ્કારી નગરીના આંગણે વહાલુ વડોદરા અને સાંસદ કાર્યાલયના ઉપક્રમે આયોજન
ભાગ લેનાર એક થી એક ચઢિયાતી એવી 60 પૈકી 20 ફિલ્મોનું નિદર્શન કરાયું
વડોદરા
સંસ્કારી નગરી વડોદરાના આંગણે વહાલું વડોદરા તેમજ સાંસદ કાર્યાલયના સંયુક્ત ઉપક્રમે ભારતભરની પ્રથમ એવી શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા ફિલ્મ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ઉપસ્થિતિમાં આયોજિત આ સ્પર્ધા દરમિયાન એક એકથી ચઢિયાતી એવી 60 પૈકી 20 પસંદગી પ્રાપ્ત શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરાઈ હતી. સ્પર્ધાને અંતે વિજેતા કલાકારોને આકર્ષક પુરસ્કાર અને ફેલોશિપ એનાયત કરી પુરસ્કૃત કરાયા હતા.
ઓપરેશન સિંદૂર અને ભાષા અનેક પરિભાષા એક જેવા રચનાત્મક વિષય સંદર્ભે સંસ્કારી નગરીના આંગણે ચં ચી મહેતા ઓડિટોરિયમ ખાતે તાજેતરમાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા ફિલ્મ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં સમાજને સીધી રીતે સ્પર્શે તેવા રચનાત્મક અને સુંદર સંદેશા આપતી 60 ફિલ્મ રજૂ કરાઈ હતી. આ 60 પૈકી પસંદગી પ્રાપ્ત 20 ફિલ્મોનુ સંસ્કારી નગરીના સુજ્ઞ શ્રોતાઓની ઉપસ્થિતિમાં નિદર્શન કરવામાં આવ્યું હતું. શોર્ટ ફિલ્મ સ્પર્ધા દરમિયાન ઋષિ મહેતાની શોર્ટ ફિલ્મ લાઈન ઓફ કરેજને પ્રથમ વિજેતા ઘોષિત કરી તેમને 50000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધ્રુવ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત કરાયેલી ફિલ્મ ઓપરેશન સિંદૂરને દ્વિતીય વિજેતા તરીકે જાહેર કરી 30000 રૂપિયા નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જ્યારે અનેકના નેજા હેઠળ કરણ પટેલ દ્વારા દિગ્દર્શિત કરાયેલ ફિલ્મને ત્રીજા ક્રમે વિજેતા જાહેર કરી રૂપિયા 20 હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
વહાલુ વડોદરા અને સાંસદ કાર્યાલય દેશભરમાં પ્રથમવાર રીતે આયોજિત કરાયેલ આ શોર્ટ ફિલ્મ સ્પર્ધાને એક દુરંદેશી આયોજન તરીકે ગણાવી સમગ્ર અભિગમને આવકાર્યો હતો. આ તબક્કે તેમણે તમામ ઉભરતા ફિલ્મ મેકર્સને મેન્ટરીંગની મદદ કરવાની ખાતરી ઉચ્ચારી હતી. આ પ્રસંગે શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી એ સૌ શોર્ટ ફિલ્મ મેકર્સ કલાકારોની કલાની ભારોભાર પ્રશંસા કરી તેમને શક્ય તમામ મદદ કરવાની ખાતરી ઉચ્ચારી હતી. સામે પક્ષે શોર્ટ ફિલ્મ મેકર કલાકારોએ પણ એક અદભુત મંચ પૂરો પાડવા બદલ યુવા સાંસદના અભિગમને આવકારી તેમનો આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશ કી મિટ્ટી હી મેરા સિંદૂર નામની શોર્ટ ફિલ્મમાં કર્નલ સોફિયા કુરેશીના સગા ભાઈ/બહેને પણ અભિનય કર્યો છે.