મહી નદીના ફ્રેન્ચ કૂવામાં માટી-કાંપ જમા થતા અટકાવવા માટે નવો પાણીનો સ્ત્રોત જરૂરી
દિવાળી બાદ રાયકા પાસે પોન્ડ અને પાળાનું કામ હાથ ધરાશે, હાલ એર પ્રેશરથી કામચલાઉ સફાઈ શરૂ
વડોદરા મહાનગર પાલિકાના ઉત્તર ઝોન અને કેટલાક પૂર્વ ઝોનના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન તેમજ બાદમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા મહી નદી ખાતે આવેલા ચાર ફ્રેન્ચ કૂવામાંથી ફાજલપુર અને રાયકા કૂવામાં માટી અને કાંપ જમા થવાથી પાણી પુરવઠા પર સીધી અસર પડી છે. આ ફ્રેન્ચ કૂવામાં જમા થતી માટી અને કાંપ રેડિયલના પ્રવાહમાં અવરોધ ઉભો કરે છે. જેના કારણે પાણી પુરવઠો પૂરતો દબાણપૂર્વક થઈ શકતો નથી. પાલિકા દર વર્ષે આ કૂવાઓની સફાઈ કરે છે, પરંતુ સંપૂર્ણ રીતે સફાઈ કરવા માટે લાંબા સમય સુધી પાણી પુરવઠો બંધ રાખવો પડે છે. હાલ તહેવારોના દિવસો ચાલતા હોવાથી પાલિકાએ પાણી કાપ કરવાનો નિર્ણય ટાળ્યો છે અને કામચલાઉ ધોરણે એર પ્રેશર કોમ્પ્રેસર દ્વારા માટી અને કાંપ હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે. પાલિકા અધિકારીઓના જણાવ્યા મુજબ, દિવાળી બાદ રાયકા વિસ્તાર પાસે પોન્ડ અને પાળા બનાવવાની કામગીરી હાથ ધરાશે. આ કામગીરીને પૂરી કરવા અંદાજે 20 દિવસ જેટલો સમય લાગી શકે છે. હાલના તબક્કે નદીનું લેવલ રાબેતા મુજબ આવી ગયું છે, પરંતુ દિવાળીના તહેવારો હોવાથી પાલિકા પોન્ડ અને પાળની કામગીરી હમણાં કરશે નહીં અને દિવાળી બાદ નવેમ્બરમાં આ કામગીરી શરૂ કરવાનું આયોજન છે.
દર વર્ષે ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને કારણે આ ફ્રેન્ચ કૂવાઓમાં માટી અને કાંપ જમા થવાની સમસ્યા પુનરાવર્તિત બની ગઈ છે. પાલિકા દર વર્ષે તાત્કાલિક ઉપાય કરે છે, પણ કાયમી ઉકેલ હજુ મળ્યો નથી. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ, આ સમસ્યાનું કાયમી નિવારણ મેળવવા માટે હજુ ઓછામાં ઓછા પાંચ વર્ષ જેટલો સમય લાગી શકે છે.
અણઘડમાં રૂ. 275 કરોડના ખર્ચે નવો ઇમ્પેક્ટ વેલ બનાવી કાયમી ઉકેલ લવાશે
રાયકા ખાતે રૂ. 135 કરોડના ખર્ચે પાલિકા દ્વારા WTP ઇમ્પેક્ટ વેલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, આ કામગીરી પૂર્ણ થતા હજુ દોઢ વર્ષથી વધુ સમય લાગી શકે એમ છે. પરંતુ, આ કામ પૂર્ણ થયા બાદ પાણીનો નવો સોર્સ ઉભો થશે તેવી શક્યતાઓ આંશિક છે. પાણીનો નવો સોર્સ ઉભો કરવા માટે પાલિકા હાલ મથામણ કરી રહી છે જેમાં સંભવતઃ અણઘડ ખાતે અંદાજિત રૂ. 275 કરોડના ખર્ચે WTP ઇમ્પેક્ટ વેલ બનાવવાનું આયોજન છે. પરંતુ, આ ઇમ્પેક્ટ વેલ બનતા પાંચ વર્ષ જેટલો સમય લાગી શકે છે. જેથી, હજુ પણ ઉત્તર અને પૂર્વ ઝોનના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ વર્ષ સુધી ચોમાસા બાદ થોડો સમય પાણી પુરવઠો અસરગ્રસ્ત રહેશે.