નિયુક્તિ બાદ પ્રથમવાર મધ્ય ગુજરાતના આઠ જિલ્લાના કાર્યકરોને મળશે પ્રદેશ અધ્યક્ષ; એક્સપ્રેસ-વે ટોલ નાકાથી રેલી સ્વરૂપે અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ પહોંચશે
વડોદરા : ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ જગદીશ વિશ્વકર્મા પ્રથમવાર વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે શહેર ભાજપમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. પ્રદેશ અધ્યક્ષ મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે કારેલીબાગ સ્થિત અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધિત કરશે.
આ અંગેની વિગત આપતા શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, ભાજપની પ્રણાલી મુજબ કોઈ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ તેઓ અભિવાદન સમારંભ હેઠળ કાર્યકર્તાઓને મળે છે. તે અંતર્ગત મધ્ય ગુજરાતના આઠ જિલ્લા હેઠળ વડોદરા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મંગળવારે વાહન માર્ગે વડોદરા આવી પહોંચશે. એક્સપ્રેસ હાઇવેના ટોલ નાકા ખાતે જિલ્લા ભાજપના મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ રેલી સ્વરૂપે તેઓને કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે લઈ આવવામાં આવશે, જ્યાં તેઓ જાહેરસભાને સંબોધિત કરશે.
પ્રવચન બાદ વિવિધ 50થી વધુ સમાજના આગેવાનો, જેમાં ખાસ કરીને એસ.ટી. અને એસ.સી. સમાજના પ્રતિનિધિઓ, દ્વારા પ્રદેશ અધ્યક્ષનું બહુમાન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષની સૂચના મુજબ, તેમના સ્વાગતમાં કોઈ બુકે અથવા ફૂલહાર નહીં પરંતુ લાઇબ્રેરીમાં ઉપયોગી થાય તેવા પુસ્તકથી તેમને આવકારવામાં આવશે, જે એક પ્રેરણાદાયી પહેલ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષના સ્વાગત માટે ભાજપના સૌ કાર્યકર્તાઓમાં ભારે થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.