National

IRCTC કૌભાંડ કેસમાં લાલુ યાદવ સામે આરોપો ઘડાયા, વ્હીલચેરમાં કોર્ટ પહોંચ્યા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ માટે મોટો ઝટકો. IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ લાલુ યાદવ અને તેમના પરિવાર સામે ગુનાહિત આરોપો ઘડ્યા છે. આ ચુકાદો આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લેતા રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

દિલ્હીની રાઉઝ એવન્યુ સ્પેશિયલ કોર્ટએ આજે તા.13 ઓક્ટોબરે IRCTC હોટલ કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 420 (ઠગાઈ) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) હેઠળ આરોપો ઘડ્યા છે. કોર્ટએ લાંબી કાર્યવાહી બાદ આ નિર્ણય આપ્યો છે.

લાલુ પ્રસાદ યાદવ વ્હીલચેરમાં કોર્ટ પહોંચ્યા હતા. તેમની સાથે પત્ની અને બિહારની ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તથા પુત્ર તેજસ્વી યાદવ પણ હાજર રહ્યા હતા. કોર્ટમાં તેમની હાજરી દરમિયાન સુરક્ષાના કડક બંદોબસ્ત રાખવામાં આવ્યા હતા.

કેસની પૃષ્ઠભૂમિ
IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસમાં લાલુ યાદવ પર આરોપ છે કે તેઓએ રેલવે મંત્રી તરીકેની હુકુમત દરમિયાન પટના અને રાંચીની IRCTC હોટલોનું કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને ફાળવ્યું હતું. જેના બદલામાં તેમના પરિવારને કિંમતી જમીન ભેટમાં મળી હતી. આ કેસને “જમીન-માટે-નોકરી કૌભાંડ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ મામલે CBIએ લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ અને અન્ય અનેક લોકો સામે તપાસ હાથ ધરી હતી. તા. 24 સપ્ટેમ્બરે કોર્ટએ તમામ આરોપીઓને હાજર રહેવા આદેશ આપ્યો હતો. તા. 29 મેના રોજ તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

રાજકીય અસર
આ નિર્ણય બિહારના રાજકારણ પર સીધી અસર કરી શકે છે. આરજેડી માટે લાલુ યાદવ હજી પણ પ્રભાવશાળી નેતા છે. અને તેમના વિરુદ્ધના આરોપો ચૂંટણી દરમિયાન વિરોધીઓ માટે મોટો હથિયાર બની શકે છે.

કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે હવે કોર્ટમાં ટ્રાયલ પ્રક્રિયા શરૂ થશે. જેમાં લાલુ પરિવાર સામે પુરાવા અને સાક્ષીઓ રજૂ થશે. જો લાલુ યાદવ દોષિત સાબિત થશે. તો તેમને ફરી જેલવાસનો સામનો કરવો પડી શકે છે.

આ રીતે IRCTC કૌભાંડ કેસ લાલુ યાદવના રાજકીય ભવિષ્ય અને બિહારની ચૂંટણીની દિશા બંનેને પ્રભાવિત કરી શકે છે.

Most Popular

To Top