અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક ભયાનક એર ક્રેશ થયો છે. એક નાનું વિમાન પાર્ક કરેલી ટ્રક પર તૂટી પડતાં જોરદાર વિસ્ફોટ અને આગ ફાટી નીકળી. દુર્ઘટનામાં વિમાનમાં સવાર બે લોકોના મોત થયા છે. જોકે જમીન પર કોઈ જાનહાની થઈ નથી.
ટેક્સાસના ટેરન્ટ કાઉન્ટીમાં આવેલા હિક્સ એરફિલ્ડ (Hicks Airfield) પાસે રવિવારે બપોરે લગભગ 1:30 વાગ્યે (સ્થાનિક સમય) આ દુર્ઘટના બની હતી. ફોર્ટ વર્થ ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ એક નાનું વિમાન અચાનક નિયંત્રણ ગુમાવીને નોર્થ સેગિનો બુલવર્ડ નજીક આવેલા પાર્કિંગ લોટમાં તૂટી પડ્યું હતું.
વિમાન સીધું જ ત્યાં ઉભેલી અઢાર-વ્હીલર ટ્રકો અને ટ્રેલરો પર જઈને પડ્યું. જેના કારણે ભીષણ આગ ભડકી હતી. દુર્ઘટનાના થોડા જ ક્ષણોમાં આગના ગોટેગોટા આકાશમાં ઉડી ગયા અને આસપાસ ધુમાડાનું ઘેરું વાદળ છવાઈ ગયું. નજીકના એક કોમર્શિયલ બિલ્ડિંગમાં પણ આગના શિખા પહોંચ્યા હોવાના અહેવાલ છે.
તાત્કાલિક રાહત કામગીરી શરૂ
ફોર્ટ વર્થ ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી ક્રૂ સ્થળ પર પહોંચી ગયા અને આગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા. પરંતુ વિમાનમાં સવાર બંને લોકોની મોતની પુષ્ટિ થઈ છે. અધિકારીઓએ હજુ સુધી મૃતકોની ઓળખ જાહેર કરી નથી.
સદભાગ્યે જમીન પર હાજર અન્ય કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાની થઈ નથી. આ એક ખાનગી વિમાન હોવાનું માનવામાં આવે છે.
તપાસ શરૂ
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ક્રેશ થયેલું વિમાન સિરસ SR-22 (Cirrus SR-22) પ્રકારનું હતું. હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે વિમાને ક્યાંથી ઉડાન ભરી હતી અને ક્યાં જઈ રહ્યું હતું.
દુર્ઘટના ડલાસ-ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક, ફોર્ટ વર્થ એલાયન્સ એરપોર્ટ અને ફોર્ટ વર્થ મીચમ એરપોર્ટ વચ્ચે આવેલા ખાનગી હિક્સ એરફિલ્ડ પાસે બની હતી.
આ ઘટનાની તપાસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે વિમાન ટેક ઓફ દરમિયાન ટેકનિકલ ખામીનો શિકાર થયું હોવાનું મનાય છે.