પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ગત રોજ તા. 12 ઓક્ટોબર શનિવારે હિમાચલ પ્રદેશના કસૌલીમાં યોજાયેલા ખુશવંત સિંહ સાહિત્ય મહોત્સવ દરમિયાન એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ઓપરેશન બ્લુ સ્ટાર ભારતના ઈતિહાસનું એક ખોટું પગલું હતું અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાના જીવથી આ ભૂલની કિંમત ચૂકવી હતી.
ચિદમ્બરમે જણાવ્યું કે “બધા આતંકવાદીઓને બહાર કાઢવા અને તેમને પકડવાનો બીજો કોઈ રસ્તો હોઈ શકે તેમ હતો. પરંતુ ઓપરેશન બ્લુ સ્ટાર ખોટો અભિગમ હતો. હું માનું છું કે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તે ભૂલની કિંમત પોતાના જીવથી ચૂકવી હતી. પરંતુ આ માત્ર તેમનો એકલો નિર્ણય નહોતો. તે સેના, પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને સિવિલ સર્વિસનો સંયુક્ત નિર્ણય હતો. તેથી માત્ર ઇન્દિરા ગાંધીને દોષી ઠેરવવું યોગ્ય નથી.”
પૂર્વ ગૃહમંત્રીએ વધુમાં સ્પષ્ટ કર્યું કે તેમનો ઉદ્દેશ કોઈ પણ લશ્કરી અધિકારીનો અનાદર કરવાનો નથી પરંતુ તેમનું માનવું છે કે સુવર્ણ મંદિરને ફરીથી કબજે કરવા માટે સેનાનો ઉપયોગ કરવો યોગ્ય નહોતો. તેમણે કહ્યું “ઓપરેશન બ્લુ સ્ટાર ખોટો રસ્તો હતો. થોડા વર્ષો પછી અમે એ જ મંદિરને કબજે કરવા માટે સેનાને બહાર રાખીને યોગ્ય રીત બતાવી.”
ચિદમ્બરમે પંજાબની હાલની પરિસ્થિતિ પર પણ ટિપ્પણી કરી. તેમણે જણાવ્યું કે આજે પંજાબની વાસ્તવિક સમસ્યા આર્થિક છે, રાજકીય નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું “ખાલિસ્તાન અને અલગતાવાદના નારા હવે લગભગ સમાપ્ત થઈ ગયા છે. પંજાબની સૌથી મોટી મુશ્કેલી હવે રોજગાર અને આર્થિક વિકાસ સાથે જોડાયેલી છે.”
તેમના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પ્રથમ વખત ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે ઓપરેશન બ્લુ સ્ટારનો નિર્ણય ખોટો હતો અને તેનાથી દેશને ભારે કિંમતે શીખ મળી.
ઓપરેશન બ્લૂ સ્ટાર શું હતું?
જૂન 1884માં ભારતીય સેનાએ અમૃતસરના સુવર્ણ મંદિરમાંથી આતંકવાદીઓને બહાર કાઢવા માટે એક ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશન જેને ઓપરેશન બ્લુ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. તેના કારણે ઇન્દિરા ગાંધીની તેમના જ શીખ અંગરક્ષકો દ્વારા હત્યા કરવામાં આવી.