પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં મેડિકલ કોલેજની એક વિદ્યાર્થીની પર થયેલા બળાત્કારના કેસે રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે. જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે. આ ઘટનાને લઈને વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જી સરકાર પર તીવ્ર પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે “બંગાળને હવે યોગી આદિત્યનાથ જેવી કડક સરકારની જરૂર છે.”
દુર્ગાપુરની ખાનગી મેડિકલ કોલેજમાં દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતી ઓડિશાની વિદ્યાર્થીની તેના મિત્ર સાથે ‘ગુપ ચુપ’ ખાવા માટે બહાર ગઈ હતી. રસ્તામાં કેટલાક યુવાનોએ બંનેને રોક્યા અને યુવતીને બળજબરીથી પકડીને એકાંત વિસ્તારમાં લઈ ગયા અને તેના પર બળાત્કાર ગુજાર્યો. ઘટના બાદ પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને હાલ તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં પાંચ લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જેમાંથી ત્રણની ધરપકડ થઈ ગઈ છે. આસનસોલ-દુર્ગાપુર પોલીસ કમિશનરેટના અધિકારીએ જણાવ્યું કે બાકી બે આરોપીઓની શોધ ચાલુ છે. પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે “આ ગુનેગારો સજા વગર છૂટશે નહીં.”
આ મામલાને લઈ રાજ્યના વિરોધ પક્ષના નેતા અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે બંગાળમાં વધતા બળાત્કારના કેસો ચિંતાજનક છે. તેમણે કહ્યું કે “આવા ગુનેગારો સામે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ જેવા કડક પગલાં લેવાં જોઈએ. જેમણે મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું છે તેમને ધરપકડ કર્યા પછી એન્કાઉન્ટર કરવામાં આવવો જોઈએ.”
તેમણે મમતા બેનર્જી સરકારને નિશાને લેતાં કહ્યું કે “આ રાજ્યમાં કોઈ સુરક્ષિત નથી. કોલકાતાની કસ્બા લો કોલેજનો કેસ હોય કે દુર્ગાપુરની મેડિકલ વિદ્યાર્થીનીનો કેસ દરેક જગ્યાએ ગુનેગારો બેફામ છે.” સુવેન્દુએ આક્ષેપ કર્યો કે રાજ્યની પોલીસ ખંડણીમાં વ્યસ્ત છે અને મહિલાઓની સુરક્ષાને લઈ રાજ્ય સરકાર નિષ્ફળ સાબિત થઈ છે.
આ ઘટનાએ ફરી એકવાર બંગાળમાં મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નો ઊભા કર્યા છે. રાજ્ય સરકારની કાર્યવાહી અને આરોપીઓ પરની કાનૂની કાર્યવાહી હવે સૌની નજરમાં રહેશે.