આગામી એક વર્ષ માટે નવીન ડ્રેનેજ નળીકા નાંખવાનો ઇજારો અપાયો
કામગીરીનો ખર્ચ દક્ષિણ ઝોનના ડ્રેનેજ બજેટ હેડ જેમ કે રેવન્યુ કેપીટલ બજેટ, સભાસદ કોટા-ફોડવારી, રાજ્ય સરકાર, સાંસદ અને ધારાસભ્ય ગ્રાન્ટમાંથી પુરો કરશો
વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોન વિસ્તારમાં આગામી એક વર્ષ માટે નવીન ડ્રેનેજ નળીકા (દુરસ્તી સહ) નાંખવાના કામે રૂ. 4 કરોડની નાણાકીય મર્યાદામાં ઇજારો નકકી કરવામાં આવ્યો છે. આ કામ માટે ઇજારદાર મે. દિયા એન્ટરપ્રાઇઝને અંદાજ કરતા 4% ઓછા દરે ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે. ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વર્ષ 2025-26 માટે દક્ષિણ ઝોનમાં નવીન નળીકા નાંખવાના કામ માટે રૂ.4 કરોડની નાણાકીય મર્યાદામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે કુલ બે ઇજારદારો મે. દિયા એન્ટરપ્રાઇઝ અને મે. જે.એસ. કપ્તાન તરફથી ભાવપત્રો પ્રાપ્ત થયા હતા. તપાસ બાદ મે. દિયા એન્ટરપ્રાઇઝનો ભાવપત્ર અંદાજ કરતા 5.75% વધુ હોવાનું જણાયું હતું. પરંતુ મહાનગરપાલિકાની વિનંતિ બાદ ઇજારદારે અંતિમ રૂપે અંદાજ કરતાં 4% ઓછા દરે કામ કરવા સંમતિ આપી હતી.
ટેન્ડર સ્ક્રુટિની કમિટીએ તારીખ 26 સપ્ટેમ્બર, 2025ના રોજ દિયા એન્ટરપ્રાઇઝના ભાવપત્રને મંજૂરી આપવા ભલામણ કરી હતી. સ્થાયી સમિતિએ આ ભલામણને મંજૂરી આપી છે. આ કામનો ખર્ચ દક્ષિણ ઝોનના ડ્રેનેજ સંબંધિત વિવિધ બજેટ હેડ જેમ કે રેવન્યુ કેપીટલ બજેટ, સભાસદ કોટા-ફોડવારી, રાજ્ય સરકાર, સાંસદ અને ધારાસભ્ય ગ્રાન્ટમાંથી પુરો કરવામાં આવશે. મંજૂર થયેલો વાર્ષિક ઇજારો વર્ક ઓર્ડર મળ્યાથી એક વર્ષ સુધી માન્ય રહેશે અને GSTની રકમ અલગથી ચૂકવવાની રહેશે.