Science & Technology

હવે ChatGPT દ્વારા પણ કરી શકાશે UPI પેમેન્ટ, NPCIએ તૈયારીઓ શરૂ કરી

ભારતમાં હવે ટૂંક સમયમાં ChatGPT મારફતે સીધું જ UPI પેમેન્ટ કરવું શક્ય બનશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ આ નવી સુવિધા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે વપરાશકર્તાઓને Google Pay, PhonePe અથવા Paytm જેવી એપ્લિકેશનોની જરૂર નહીં પડે ChatGPT જેવી AI એપ્લિકેશનોમાં જ UPI પેમેન્ટ ફીચર ઉપલબ્ધ થશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને NPCI મળીને એઆઈ આધારિત પેમેન્ટ સિસ્ટમ વિકસાવી રહ્યા છે. જેના માધ્યમથી ChatGPT વપરાશકર્તાઓ એપ છોડ્યા વગર સીધા જ ચુકવણી કરી શકશે. આ માટે NPCIએ Razorpay અને OpenAI સાથે ભાગીદારી કરી છે. રેઝરપેના જણાવ્યા મુજબ આ સુવિધા હાલ ખાનગી રીતે પરીક્ષણ (બિટા સ્ટેજ) હેઠળ છે અને ટૂંક સમયમાં વપરાશકર્તાઓ માટે લોન્ચ થશે.


આ નવી સુવિધા એઆઈ એજન્ટ દ્વારા UPI ચુકવણીની મંજૂરી આપશે એટલે કે વપરાશકર્તા ChatGPTને વૉઇસ કમાન્ડ અથવા ટેક્સ્ટ દ્વારા કહેતાં જ પેમેન્ટ કરી શકશે. ઉદાહરણ તરીકે “રૂ.500 Vijay Store ને મોકલો” આટલુજ કહ્યા બાદ ChatGPT આપમેળે UPI મારફતે ચુકવણી પૂર્ણ કરશે.

પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પરીક્ષણ શરૂ
અહેવાલ અનુસાર આ સુવિધા હાલ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચાલી રહી છે. જેમાં તેની સુરક્ષા અંગેના પરિબળો ચકાસવામાં આવી રહ્યા છે.

આ પ્રોજેક્ટ માટે Airtel Payments Bank અને Axis Bank પણ બેંકિંગ તરીકે ભાગીદાર રહેશે. ટાટા ગ્રુપની Big Basket અને Vodafone-Idea પ્રથમ એવા પ્લેટફોર્મ્સ હશે. જે ChatGPT મારફતે UPI પેમેન્ટ સ્વીકારશે.

Razorpayના સહ-સ્થાપક હર્ષિલ માથુરએ જણાવ્યું કે નવી એજન્ટિક એઆઈ પેમેન્ટ સિસ્ટમનું પ્રારંભિક ટ્રાયલ સફળ રહ્યું છે અને આગામી અઠવાડિયામાં Chat GPT જેવા AI ટૂલ્સમાં તેની ઈન્ટિગ્રેશન શરૂ થશે.

બાયોમેટ્રિક ચુકવણી સુવિધા પણ આવશે
NPCIએ વધુમાં જણાવ્યું કે UPI વપરાશકર્તાઓ માટે ટૂંક સમયમાં બાયોમેટ્રિક ચુકવણીની નવી સુવિધા પણ ઉપલબ્ધ થશે. હવે વપરાશકર્તાઓ પોતાના ચહેરા અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા ચુકવણી કરી શકશે. વધુમાં સ્માર્ટ ચશ્મા દ્વારા પણ UPI ટ્રાન્ઝેક્શન શક્ય બનશે.

ChatGPTમાં UPI ઇન્ટિગ્રેશન ભારતીય ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ માટે એક મોટું પગલું છે. આ સાથે ચુકવણીઓ વધુ સરળ, ઝડપી અને એઆઈ આધારિત બનશે. જે ભારતને સ્માર્ટ પેમેન્ટ ટેક્નોલોજીના નવા યુગમાં લઈ જશે.

Most Popular

To Top