NEWSFLASH

ભોજપુરી સ્ટાર પવન સિંહ વિધાનસભા ચૂંટણી નહીં લડે, જાણો શું કહ્યું..!

ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર અને રાજકીય રીતે ચર્ચામાં રહેલા પવન સિંહે સ્પષ્ટ કર્યું છે કે તેઓ બિહાર વિધાનસભા ચૂંટણી લડશે નહીં. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે કહ્યું કે તેઓ પાર્ટી માટે સમર્પિત કાર્યકર છે અને ચૂંટણી લડવા માટે ભાજપમાં જોડાયા નથી.

પવન સિંહે ગત રોજ તા. 10 ઓક્ટોબર શુક્રવારે સોશિયલ મીડિયા પર લખ્યું “હું બિહાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે પાર્ટીમાં જોડાયો નથી. હું પાર્ટીનો સાચો સૈનિક છું અને રહીશ.” તેમની આ પોસ્ટ બાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોને અંત આવ્યો છે કે તેઓ આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બની શકે છે.

ભાજપના લોકપ્રિય ચહેરા તરીકે ઓળખાતા પવન સિંહે લખ્યું કે તેઓ ભોજપુરી સમાજ અને ભાજપ બંને માટે સમર્પિત છે અને કોઈ પણ રાજકીય પદની લાલસા વગર પાર્ટીની વિચારધારાને આગળ વધારવા માગે છે.

ભાજપના નેતાઓ સાથે મુલાકાત બાદ ચર્ચા શરૂ થઈ હતી

ગયા મહિને પવન સિંહે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ એવી ચર્ચાઓ ઉઠી હતી કે તેઓ આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી શકે છે. જોકે હવે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેમને ચૂંટણીમાં રસ નથી.

પવન સિંહને 2024ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેમના ગીતોમાં બંગાળી મહિલાઓના અપમાનના આરોપો બાદ પાર્ટીએ તેમને ચૂંટણીમાંથી ખસી જવા દબાણ કર્યું હતું.

કરકટથી અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી
ભાજપ તરફથી ટિકિટ ન મળ્યા બાદ પવન સિંહે કરકટ લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. રાજપૂત સમુદાયના સમર્થનથી તેઓ ચર્ચામાં રહ્યા પરંતુ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

પત્ની સાથે વિવાદ
તાજેતરમાં પવન સિંહ તેમના વ્યક્તિગત જીવનને લઈને પણ સમાચારમાં રહ્યા છે. તેમની પત્ની જ્યોતિ સિંહે તેમના પર અનેક ગંભીર આરોપો લગાવ્યા બાદ લખનૌમાં વિવાદ થયો હતો. તાજેતરમાં જ જ્યોતિ સિંહે જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર સાથે પણ મુલાકાત કરી હતી.

પવન સિંહના નિવેદનથી સ્પષ્ટ છે કે તેઓ હાલ રાજકીય મેદાનમાં નહીં પરંતુ પાર્ટીની વિચારધારાને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત રાખશે.

Most Popular

To Top