જાળવણીનો લૂલો પ્રયાસ કે કાયમી ઉકેલ?
પાલિકાની નિષ્ફળતાનો ઈતિહાસ: મંગળ બજાર અને માંડવી જેવી જર્જરિત દશાની ભીતિ; વર્ષો જૂના ફૂલ વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં
વડોદરા : શહેરના હૃદય સમાન ગણાતા અને ગાયકવાડ યુગની ભવ્યતાના પ્રતીક એવા ઐતિહાસિક ન્યાયમંદિર (જુની કોર્ટ) ઈમારતની ફરતે હાલમાં લોખંડની જાળી લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોર્ટ સંકુલ ખસી ગયા બાદ આ ઈમારતની જાળવણીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો, જેને પગલે ઈમારતની આસપાસ ગંદકી, આડેધડ પાર્કિંગ અને પેશાબ થવાના બનાવો સામે આવ્યા હતા. આ મામલે પાલિકા તંત્રની ટીકાઓ થયા બાદ હવે તંત્ર ‘એક્શન’માં આવ્યું હોય તેમ જાળી લગાવીને જાળવણીનો ‘લૂલો પ્રયાસ’ કરી રહ્યું છે. જોકે, ભૂતકાળમાં મંગળ બજાર અને માંડવી ખાતે પણ આવા જ પ્રયાસો નિષ્ફળ ગયા હોવાથી, આ પગલાંની સફળતા સામે સવાલો ઊભા થયા છે.

શહેરની ઐતિહાસિક ઈમારતોની જાળવણી કરવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોવાનો આક્રોશ શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે. ન્યાયમંદિરની ઈમારતની આસપાસ જે દ્રશ્યો સર્જાઈ રહ્યા હતા, તે ગાયકવાડની વિરાસત માટે શરમજનક હતા. લોકો દ્વારા કચરો ઠાલવવો, પેશાબ કરવો અને આડેધડ પાર્કિંગ કરવું સામાન્ય બની ગયું હતું, જેને કારણે આ સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો હતો. આ પરિસ્થિતિએ તંત્રની બેદરકારી છતી કરી હતી અને વિવાદ વકરતા હવે ન્યાયમંદિરને ફરતે લોખંડની જાળી લગાવીને સમસ્યાનો ઉકેલ લાવવાનો દેખાડો કરવામાં આવી રહ્યો છે.

પાલિકાના આ પગલાં સામે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ન્યાયમંદિરનો હાલ પણ મંગળ બજાર અને માંડવી જેવો થશે? ભૂતકાળમાં મંગળ બજાર ખાતે પથારાવાળાઓના કારણે થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા લોખંડની જાળીઓ લગાવવામાં આવી હતી. તેમ છતાં, આજે પણ પથારાવાળા રેલિંગની બહાર રોડ પર બેસીને ધંધો કરે છે અને ટ્રાફિક સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. વળી, થોડા સમય પૂર્વે મંગળ બજારની બહાર લાગેલી કેટલીક જાળીઓ ‘ગાયબ’ પણ થઈ ગઈ છે અને તે ક્યાં ગઈ તેની કોઈને ખબર નથી.

આવી જ રીતે, ચાર દરવાજા વચ્ચે આવેલી ઐતિહાસિક માંડવી ઈમારતની જાળવણીમાં પણ તંત્ર ફેલ ગયું છે. જર્જરિત માંડવીમાં ગાબડાં પડવા અને પિલ્લરનો ભાગ તૂટી પડવાના બનાવો બાદ લોકોના વિરોધને કારણે પાલિકાએ માંડવી આસપાસ પણ લોખંડની જાળી લગાવીને માત્ર લૂલો બચાવ’ કર્યો હતો. આ બંને ઉદાહરણો દર્શાવે છે કે માત્ર લોખંડની જાળી લગાવી દેવાથી ઐતિહાસિક ધરોહરની જાળવણી થતી નથી. ન્યાયમંદિરની નવીન રેલિંગ કેટલો સમય ટકશે અને તેનો હેતુ કેટલો સિદ્ધ થશે, તે જોવું રહ્યું.
ફૂલ બજારના વેપારીઓ ચિંતામાં મુકાયા

ન્યાયમંદિરની આસપાસ રેલિંગ લગાવવાની કામગીરીને કારણે વર્ષોથી ફૂલોનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા ૨૨ જેટલા વેપારીઓ ચિંતામાં મૂકાયા છે. ગાયકવાડી સમયથી આ વેપારીઓ અહીં ફૂલોનું વેચાણ કરે છે અને તેમનો રોજી-રોટીનો આધાર આ વ્યવસાય પર છે. આ વેપારીઓ દ્વારા લોખંડની રેલિંગ લગાવવાનો વિરોધ કરવામાં આવ્યો નથી, પરંતુ તેમની એકમાત્ર માંગ છે કે તેમનો ધંધો બંધ ન થાય. તેમણે પાલિકા તંત્રને અપીલ કરી છે કે રેલિંગની વચ્ચે એક એન્ટ્રી ગેટ કાર્યરત રાખવામાં આવે, જેથી તેઓ પોતાનો ધંધો ચાલુ રાખી શકે. તેમનું કહેવું છે કે તેઓ કોઈ પણ પ્રકારની ગંદકી કરતા નથી અને તેમનું ગુજરાન ફૂલો વેચીને જ ચાલે છે.
– શું ન્યાયમંદિર પણ માંડવીની જેમ જર્જરિત થઈ ગયું છે?

અચાનક આ રીતે લોખંડની રેલિંગ લગાવવાના નિર્ણયથી લોકોમાં એવી પણ ચર્ચા જાગી છે કે શું માંડવીની જેમ ઐતિહાસિક ન્યાયમંદિર પણ ખૂબ જર્જરિત થઈ ગયું છે? લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે કે ક્યાંક કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે તંત્ર દ્વારા ઉતાવળમાં આ રેલિંગ લગાવવામાં આવી રહી છે. જોકે, તંત્ર દ્વારા સત્તાવાર રીતે ઈમારતની જર્જરિતતા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વડોદરાની આ ઐતિહાસિક ઈમારતની જાળવણી ફક્ત જાળી લગાવીને નહીં, પણ તેના યોગ્ય સંરક્ષણ અને સમારકામથી જ થઈ શકે છે. તંત્ર માત્ર દેખાડો કરવાને બદલે નક્કર પગલાં ભરે તે જરૂરી છે, નહીં તો ન્યાયમંદિર પણ અન્ય ઐતિહાસિક ધરોહરોની જેમ જ દુર્દશાનો ભોગ બનશે.